દિવાળીના પર્વને લઇને સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે તેઓ મંદી અને પૈસાના અભાવને લીધે દિવાળીની ઉજવણી કરી શક્યા નથી. તેમની પાસે ફટાકડા કે કપડાં ખરીદવાના પૈસા ન હોવાથી દિવાળીની ઉજવણી કરી શકશે નહિ. દિવાળીના પર્વને રોશનીનો તહેવાર માનવામાં આવે છે. પરંતુ, જેમની પાસે રોશની રૂપી પૈસા છે તેઓ જ તેની સારી રીતે ઉજવણી કરી શકે તેમ દેખાઈ રહ્યું છે.
દેશની અંદર આજે પણ લાખો પરિવાર એવા છે કે, જેઓ આર્થિક સંકટને લીધે જીવન જરુરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકતા નથી. જ્યારે એવો પણ સભ્ય સમાજ છે કે, જેની જાહોજલાલી જોતા જ આંખે ચડે છે. શહેરનો એસ.જી.હાઈવે લાઇટોથી શણગારેલ દેખાય છે. તો સામે કેટલાક વિસ્તારોની વસ્તુ એવી છે કે, જે ગરીબીનાં અંધકારમાં જીવે છે.
ઉલ્લેખનીય છે કે, કેટલીક સેવાભાવી સંસ્થાઓ ગરીબ લોકોને તહેવાર ટાણે વિવિધ પ્રકારની જીવન જરૂરિયાતની સામગ્રીઓ અને ફટાકડા, કપડા સહિતની વસ્તુઓ પુરી પાડે છે. સમાજની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે, ગરીબીમાં સમસ્યાઓ, તકલીફ અને અંધકાર વધુ જોવા મળે છે.