અમદાવાદ: રાજ્યના DGPના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમોનું પાલન નહી કરતા પોલીસ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમો માત્ર જનતા માટે નહીં પરંતુ પોલીસે પણ ચુસ્ત પાલન કરવું પડશે. હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર અને નંબર પ્લેટ કે બ્લેક ફિલ્મ વાળા પોલીસ વાહન ચાલકોને દંડવાની કામગીરી કરવામાં આવી હતી.

18 પોલીસને 9 હજાર દંડ: ટ્રાફિક પોલીસની આ કામગીરી દરમિયાન પોલીસે સીટ બેલ્ટ વિના 9 વાહન ચાલકોને 4500 રૂપિયાનો દંડ કરાયો હતો. હેલ્મેટ વિના વાહન ચલાવતા 6 ચાલકોને 3 હજાર રૂપિયાનો દંડ કરાયો હતો, તેમજ ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવવા મામલે 2 કેસ કરી 1 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો તેમજ પોલીસની નેમ પ્લેટ લગાવી વાહન ચલાવતા એક ચાલકને ઝડપી 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ રીતે પોલીસે કુલ 18 મેમો આપી 9 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.
'આ ડ્રાઈવ દરમિયાન નિયમોના ભંગ બદલ 18 વાહન ચાલકોને 9 હજાર રૂપિયાનો દંડ કરાયો છે. સીટ બેલ્ટ, હેલ્મેટ, બ્લેક ફિલ્મ અને પોલીસ અથવા વાહનોમાં P લખ્યું હોય તેવા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.' -અશોક રાઠવા, ACP ટ્રાફિક
રાજ્યભરમાં ઝુંબેશ: મહત્વનું છે કે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ જાહેરાત કરી હતી જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન સૌથી પહેલા પોલીસ દ્વારા કરવામાં આવે તેવી જાહેરાત કરાઈ હતી. આ મામલે રાજ્યભરમાં ઝુંબેશ કરવાની પણ સૂચના અપાઈ હતી. જેથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે જ ઝુંબેશ હાથ ધરી આ કાર્યવાહી પોલીસકર્મીઓ સામે કરી હતી.
પોલીસ સામે જ પોલીસની ડ્રાઈવ: રાજ્ય પોલીસના આદેશ બાદ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા અનેક પોલીસકર્મીઓએ પોતાના ખાનગી વાહનો પરથી બ્લેક ફિલ્મ જાતે જ ઉતરાવી દીધી છે, જોકે હજુ પણ અનેક વાહનોમાં પોલીસની પ્લેટ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ જોવા મળી છે. તેવામાં પોલીસકર્મીઓ સામે આ આગામી ડ્રાઈવ દરમિયાન વધુ કાર્યવાહી આગામી દિવસોમાં સતત કરવામાં આવશે.