અમદાવાદ: અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. નોકરી પરથી ઘરે આવીને આરામ કરવા ગયેલા પોલીસકર્મી સાંજ સુધી ન ઉઠતા પરિવારજનોએ રૂમમાં જઈને તપાસ કરતા તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આ અંગે પોલીસને જાણ કરવામા આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યા પાછળના કારણો જાણવા તજવીજ શરૂ કરી છે. મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી હતી. પોલીસકર્મીના આપઘાત કરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.
પોલીસકર્મીનો આપઘાત: ઘટનાની વિગત મુજબ મૃતક પોલીસકર્મી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પીસીઆર વનમાં ફરજ બજાવતા હતા. કિરણભાઈ દેવજીભાઈ લકુમ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠિરાયા ગામનો વતની છે. હાલમાં તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ પાસેની સોસાયટીમાં પોતાના ઘરે આપઘાત કરી લીધો છે. તેઓને પરિવારમાં પત્ની અને બે બાળકો છે.
પોલીસ કાર્યવાહી: આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણમાં આવ્યું નથી. પરંતુ રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ મામલે પોલીસને રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ કે અન્ય વિગતો ન મળી આવતા પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસના આઈ ડિવિઝન એસીપી કુણાલ દેસાઈએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે અકસ્માત મોત દાખલ કરવામાં આવી છે. આત્મહત્યા પાછળના કારણો જાણવા માટેની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે.