અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં લઘુમતી સમુદાયને સ્મશાન માટેની જમીન ન ફાળવવામાં આવતા જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર મુજાહિદ નોફીસે આ અરજી દાખલ કરી હતી. જેમાં લઘુમતી સમુદાયને સ્મશાન એટલે કે કબ્રસ્તાન માટેની જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
શું છે અરજદારની માંગ ? અરજદાર મુજાહિદ નોફીસ પક્ષે એડવોકેટ કે.આર. કોસ્ટીએ આ અરજી દાખલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સંદર્ભે વર્ષ 2021 માં પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી એકવાર આ અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં લઘુમતી સમુદાયને કબ્રસ્તાન માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેમ હિન્દુ કોમ્યુનિટીને સ્મશાન માટે જમીન ફાળવવામાં આવે છે. તેવી જ રીતે લઘુમતી સમુદાયને પણ સ્મશાન માટેની જમીન ફાળવવામાં આવે તેવી માંગ અરજીમાં કરવામાં આવી હતી.
લઘુમતી માટે વકફબોર્ડ : એડવોકેટે જણાવ્યું હતું કે, વર્ષ 2021 ની સુનાવણી દરમિયાન સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, લઘુમતી કોમના કોઈ પણ પ્રશ્ન માટે વકફ બોર્ડ દ્વારા મદદ કરવામાં આવતી હોય છે. જેથી આ બાબતે અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.
RTI ની ચોંકાવનારી વિગત : આ અરજીને હાઇકોર્ટમાંથી પરત ખેંચ્યા બાદ એડવોકેટ કે.આર. કોસ્ટીએ સુરત કોર્પોરેશન તેમજ ગાંધીનગર કોર્પોરેશન અને વકફબોર્ડમાં આ બાબતે વિગતો જાણવા માટે RTI કરી હતી. આ RTI ની વિગતોમાં જાણવા મળ્યું હતું કે, બહુમતી સિવાયના અન્ય તમામ ધર્મના લોકોની અંતિમક્રિયા માટે જે પણ જોગવાઈ છે તેનું કોર્પોરેશન દ્વારા પાલન કરવામાં આવતું નથી. આ RTI ની વિગતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ સમાવેશ થતો હતો. આ RTI વર્ષ 2021 માં ઓક્ટોબર-ડિસેમ્બર તેમજ જુલાઈ મહિનામાં કરવામાં આવી હતી.
આગામી સુનાવણી : આ સમગ્ર બાબતે અરજદાર રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓને સ્થાનિક તંત્ર એટલે કે કોર્પોરેશન દ્વારા જે પણ વ્યવસ્થા આપવામાં આવતી હોય તે મળવી જોઈએ. ઉપરાંત કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે અને આ બાબતે કોર્ટ દ્વારા પણ યોગ્ય રીતે નિર્દેશ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા આ અરજીને ધ્યાનમાં લેવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ સુનાવણી 28 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.