અમદાવાદઃ દર વર્ષે ગણેશ ચતુર્થીનું પુરા ભારતભરમાં ઉત્સાહપૂર્ણ અને ખૂબ જ દબદબાભેર પૂજન અને ઉજવણી કરવામાં આવે છે. લોકો પોતાના ઘરે, ગલી, મોહલ્લામાં ગણપતિની સ્થાપના કરે છે અને લાખો લોકો તેના દર્શન કરીને ભગવાન ગણેશજી પાસે સુખ-સમૃદ્ધિ અને ધન મળી રહે તેવી પ્રાર્થના કરે છે.
આ વર્ષે દરેક તહેવારો પર કોરોનાના કારણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવી હોવાથી કોઈપણ તહેવારમાં જાહેર આયોજન શક્ય બની શકે તેમ નથી. જેના લીધે ગણપતિ ઉત્સવના આયોજક પણ મુશ્કેલીમાં મુકાયા છે. આપણો દેશ ઉત્સવપ્રિય હોવાના કારણે ઉજવણી ના થાય તેવી શક્યતાઓ નહિવત હોય છે, પણ આ વર્ષે ભક્તોએ ભગવાનથી પણ સોશ્યલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરવું પડી રહ્યું છે.
કોરોનાના ગ્રહણને લઇને લોકો આ વર્ષે પોતાના ઘરે ઇકો ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમાની સ્થાપના કરશે. આ વર્ષે માર્કેટમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ડિમાન્ડમાં છે. બે અને ત્રણ ફૂટની ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ ફક્ત માટીમાંથી બનાવવામાં આવી રહી છે. જે મૂર્તિઓનું વિસર્જન પણ આ વર્ષે લોકો ઘરે જ પાણીના ટબમાં કરી શકશે.
મૂર્તિકારો આ વર્ષમાં સુંદર અને નાની મૂર્તિ કે જેને લોકો આસાનીથી ઘરે લઈ જઈ શકે અને ભગવાનનું પૂજન અર્ચના કરીને આ કોરોનાના કાળમાંથી જલ્દી ગણેશજી સૌને ઉગારીલે અને આવતા વર્ષે રંગેચંગે અને ખૂબ ભાવપૂર્વક ગણેશજીના ઉત્સવને ઉજવી શકે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.