અમદાવાદ: કોંગ્રેસ અને આપ વિધાનસભાની ચૂંટણી વખતે સરકારી કર્મચારીઓને વચન આપ્યું હતું કે અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું પણ ગુજરાતમાં ભારે બહુમતી સાથે ભાજપની જ સરકાર રચાઈ હતી. જૂની પેન્શન યોજનાની માંગ હવે ફરીથી ઉઠી છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે અગાઉ કર્મચારી મંડળો એકઠા થઈને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પ્રેશર ઉભું કરવા માટે ગાંધીનગરમાં આજે મંગળવારે બેઠક મળી હતી.
જૂની પેન્શન યોજના શું હતી?: 2004 પહેલા કર્મચારીઓને નિવૃતિ પછી નિશ્ચિત પેન્શન મળતું હતું. આ પેન્શન કર્મચારીના છેલ્લા પગાર પર આધારિત હતું. આ યોજનામાં નિવૃત કર્મચારી મૃત્યું પામે તો તેના પરિવારના સભ્યો માટે પેન્શનની જોગવાઈ હતી. અટલ બિહારી વાજપેયી સરકારે એપ્રિલ 2005 પછી નિમણૂંક પામેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બંધ કરી દીધી અને તેના સ્થાને નવી પેન્શન સ્કીમ લાગુ કરી હતી. આ પછી રાજ્યોએ પણ નવી પેન્શન યોજના લાગુ કરી હતી.
શું-શું હતી જોગવાઈ?: જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારનો અડધો ભાગ નિવૃતિ સમયે પેન્શનના સ્વરૂપે અપાતો હતો. જનરલ પ્રોવિડન્ટ ફંડ(જીપીએફ)ની જોગવાઈ હતી. 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઈટીની રકમ મળે છે. સરકારી તિજોરીમાંથી ચુકવણી કરવામાં આવે છે. નિવૃત કર્મચારી મૃત્યુ પામે તો તેના પરિવારને પેન્શન મળે છે. પેન્શન માટે કર્મચારીના પગારમાંથી કોઈ રૂપિયા કાપવામાં આવતાં નથી અને છ મહિના પછી ડીએ મેળવવાની જોગવાઈ છે.
નવી પેન્શન યોજના શું છે?: નવી પેન્શન યોજનામાં કર્મચારીનો મુળ પગાર વત્તા DAમાંથી 10 ટકા કાપવામાં આવે છે. NPS શેરબજાર પર આધારિત છે, જેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. નિવૃતિ પર પેન્શન મેળવવા NPSના ફંડના 40 ટકાનું રોકાણ કરવું પડે છે. નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી હોતી નથી. NPS સ્ટોક માર્કેટ પર આધારિત હોવાથી અહીં ટેક્સની જોગવાઈ લાગુ પડે છે અને છ મહિના પછી DA મેળવવાની કોઈ જોગવાઈ નથી.
'સૌપ્રથમ જૂની પેન્શન યોજનાની વાત કરીએ તો હાલમાં જે કર્મચારી નોકરી કરે છે તેને સાતમાં પગાર પંચના લાભ આપવામાં આવે છે. તે મુજબ પગારધોરણ આપવામાં આવે છે. મુજબ કર્મચારીના બેઝિકના 50 ટકા રકમ પેન્શન મળવાને પાત્ર છે. ઉદાહરણ તરીકે 20,000નો બેઝિક હોય તો તેવા કિસ્સામાં 10,000 પેન્શન મળવા પાત્ર થાય છે. આ પેન્શનની ચુકવણી થાય છે તે તેના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નથી. નવી પેન્શન યોજનામાં જોઈએ તો સરકારે એનપીએસ યોજના લાગુ કરી તેમાં કર્મચારીનો ફાળો 10 ટકા અને સરકારનો ફાળો 10 ટકા એમ રકમ જમા થાય છે.' -ભરત ચૌધરી, મહામંત્રી, ગુજરાત કર્મચારી મહામંડળ
સરકારી તિજોરી પર કેટલો બોજો પડશે?: આ રકમનું એનએસડીએલમાં રોકાણ થાય છે. આ રોકાણ શેરબજાર આધારિત હોવાથી તેમાં વાર્ષિક જે વળતર મળે તેના પર પેન્શનની ચુકવણી થાય છે. એનપીએસમાં જે ફંડ જમા થાય તેમાંથી 60 ટકા કર્મચારીને મળી જાય છે અને 40 ટકા રકમનું રોકાણ થાય છે. તેના પર પેન્શન મળે છે, તે ખૂબ જ ઓછુ મળે છે અને તે સન્માનજનક રકમ પણ હોતી નથી. આ અગાઉ અર્થશાસ્ત્રીઓએ એવી ચેતવણી ઉચ્ચારી હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તો રાજ્યોની સરકારી તિજોરી પર મોટો બોજો પડશે. કેગ પણ આ અંગે રિસર્ચ કરી રહ્યું છે કે જૂની પેન્શન યોજના લાગુ થાય તો તેનું શું પરિણામ આવે?