ઠંડી વધવાની સાથે સ્વાદપ્રિય લોકો અવનવી વાનગીઓ આરોગીને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે જાગૃત બને છે. શિયાળાની જ એક વાનગી લીલોપોંક પણ સ્વાદનાં શોખીનોની પહેલી પસંદ બન્યો છે. સુરતથી જ લીલા પોંકની શરૂઆત થઇ હોવાનું કહેવાય છે. કારણ કે, દક્ષિણ ગુજરાત ઉપરાંત હવે ભરૂચ, અંકલેશ્વર, વડોદરા હાઇવે પર પણ ઠેર-ઠેર પોંકની હંગામી દુકાનો નજરે પડે છે.
આ વર્ષે પણ ઠંડીની જમાવટ સાથે પોંકની ડિમાન્ડ પણ વધી છે. ગાઢ ધુમ્મસનાં ઠંડીભર્યા વાતાવરણમાં જ પોંક ખેતરમાં તૈયાર થાય છે. જેમ ઠંડીની મોસમ જામે તેમ પોંકની મીઠાશ વધે છે. શિયાળાનાં ત્રણ માસ તેની સિઝન રહે છે અને માત્ર અંકલેશ્વરનાં લોકો જ નહિં પરંતુ, જુના નેશનલ હાઇવે નંબર 8 પરથી પસાર થતા બહારનાં વાહન ચાલકો પણ પોંકની લિજ્જત ઉઠાવે છે. તેમજ લીલા પોંકની સાથે ચટપટી લીલા લસણની મરી-મસાલાવાળી સેવ મિક્સ કરીને આરોગવાની મજા જ અલગ છે. આ વર્ષે માવઠાના મારના કારણે જુવારના પાકને નુકસાન થયું હતું. આથી પાક ઓછો ઉતાર્યો હતો ત્યારે પોંકના ભાવમાં પણ વધારો થયેલો જોવા માળી રહ્યો છે. ગત વર્ષે ૪૦૦ રૂપિયે કિલો વેચાતો પોંક આ વર્ષે 480 થી 500 રૂપિયે કિલો વેચાઈ રહ્યો છે.