અમદાવાદઃ શહેરની સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનમાં (Organ donation)સફળતા મળી છે. બોપલના 42 વર્ષીય નીશાંતભાઈ મહેતાનું માર્ગ અકસ્માત થતા તેઓને બોપલની ખાનગી હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital )સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાન માટેનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.
એક લીવર અને બે આંખોનું દાન
હોળીના પવિત્ર દિવસે બ્રેઇન ડેડ નીશાંતભાઈના પાર્થિવ દેહને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં રીટ્રાઇવલ (Kidney Institute of Ahmedabad Civil Medicity)માટે લાવવામાં આવ્યા. કિડની ઇન્સ્ટીટયુટની ટીમ દ્વારા અંગોના રીટ્રાઇવલ માટે જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા. આ તમામ ટેસ્ટ પૂર્ણ થયા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 6 થી 7 કલાકની ભારે જહેમત બાદ એક હ્યદય, બે કિડની , એક લીવર અને બે આંખોનું દાન મેળવવામાં સફળતા મળી છે.
હ્યદયનું પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું
અંગદાતા નીશાંતભાઈના હ્યદયને ગ્રીન કોરિડોર મારફતે મુંબઇની રીલાયન્સ હોસ્પિટલમાં દાખલ દર્દીના પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું છે. જ્યારે કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ SOTTO હેઠળ નોંધાયેલ દર્દીમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Organ Donation Surat: ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન
શહેરમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ મે્ડિસીટીની સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં 42 અંગદાન કરવામાં આવ્યા છે. અહીં અંગદાનમાં મળતા કિડની અને લીવરને મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ પ્રત્યારોપણ કરવામાં આવે છે. કિડની ઇન્સ્ટીટ્યુટ કિડની સંબંધિત બિમારીની સારવાર ઉપરાંત પ્રત્યારોપણની કામગીરીમાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે.
નાગરિકોને અંગદાન અંગેની જાગૃતિ
આજે કિડની ઇન્સ્ટીટ્યુટમાં અંગદાન મેળવીને પણ અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યના અંગદાનના મહાયજ્ઞમાં કામગીરી વધુ સશક્ત બની છે. કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા જણાવે છે કે, કિડની ઇન્સ્ટીટ્યુટમાં SOTTOની ટીમ દ્વારા પ્રત્યારોપણની કામગીરી વર્ષોથી કરવામાં આવી રહી છે. નિશાંતભાઇ મહેતાના પરિવારજનોએ કિડની ઇન્સ્ટીટ્યુટમાં અંગોના રીટ્રાઇવલ માટે સંમતિ દર્શાવતા અમારી હોસ્પિટલમાં હોળીના પવિત્ર દિને 6 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. ડૉ. વિનીત મિશ્રાએ રાજ્યના તમામ નાગરિકોને અંગદાન અંગેની જાગૃતિ સમાજમાં પ્રસરાવીને વ્યક્તિ દ્વારા વ્યકિતને નવજીવન આપવાના પવિત્ર સેવાયજ્ઞમાં જોડાવવા અનુરોધ કર્યો છે.