અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં લાઉડ સ્પીકર ના લીધે થતા ધ્વનિ પ્રદૂષણને લઈને વધુ એક અરજી કરવામાં આવી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 72 વર્ષીય સિનિયર સિટીઝન કનુભાઈ બારોટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં તહેવારોમાં ફેલાતા પ્રદૂષણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. તહેવારોના દિવસો દરમિયાન લાઉડ સ્પીકરો દ્વારા જે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે તેના કારણે કનુભાઈ બારોટ ખૂબ જ હેરાન પરેશાન રહેતા હોય આ અરજી દાખલ કરવામાં આવી છે.
'કનુભાઈ બારોટની ઉમર 72 વર્ષની છે અને તેઓ અનેક શારીરિક તકલીફોને કારણે પરેશાન છે. તેમની સોસાયટીમાં ઘર પાસે જ જ્યારે પણ વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે લાઉડ સ્પીકર ઉપર ખૂબ જ મોટા અવાજે મોડા સમય સુધી ઘોંઘાટ થવાના કારણે તેમની પરેશાની થાય છે. અવાજના કારણે તેમને માનસિક તકલીફ તેમજ શારીરિક તકલીફમાં વધારો થયો હોય આ અરજી દાખલ કરવામાં આવી છે.' -ધર્મેશ ગુર્જર, અરજદારના વકીલ
મેનેજિંગ કમિટીને રજૂઆત: કનુભાઈ દેસાઈએ તેમની આ તકલીફ અંગે સોસાયટીની મેનેજિંગ કમિટીને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા હતા ઉપરથી તેમને ઘર છોડી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત કનુભાઈ પોલીસને પણ જાણ કરી હતી પરંતુ કોઈ અસર ન થતા કનુભાઈએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી ને પણ આ અંગે રજૂઆત કરી હતી.
જીપીસીબીને નોટિસ: આ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને અમદાવાદ શહેર પોલીસ કમિશનના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. ઓથોરિટી સમક્ષ પગલાં લેવા માટે નિર્દેશ આપવામાં આવે એવી સિનિયર સિટીઝન દ્વારા હાઇકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે સરકાર અને જીપીસીબીને નોટિસ પાઠવી છે. તેમજ 20 તારીખ સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અજાન તેમજ લગ્ન પ્રસંગના ડીજે દ્વારા થતી હાઇકોર્ટમાં અરજીઓ પણ આવી ચૂકી છે જેમાં પણ અત્યારે હાલ પેન્ડિંગ છે.