અમદાવાદ: "સહી પોષણ દેશ રોશન." જ્યારે પૂરતું પોષણ મળશે ત્યારે જ દેશમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓમાંથી કુપોષણ દૂર થશે. ICDS શાખા અમદાવાદ દ્વારા અવારનવાર તાલુકા લેવલે પણ કુપોષણ નાબૂદી માટે કામગીરી કરવામાં આવતી હોય છે.
દર વર્ષ 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. કોરોના મહામારીના આ સમયમાં પણ પોષણ માસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કોરોના વાઇરસથી બચવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક લેવો અત્યંત જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર “સહી પોષણ દેશ રોશન”ને ધ્યાનમાં લઇ ગુજરાતમાં કુપોષણ બાળ મૃત્યુદર, માતા મૃત્યુદરને ઘટાડવા માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, DDO અરૂણ મહેશ બાબુ, PO ICDS નરેન્દ્રસિંહ રાઠોડ, મીતાબેન જાની- CDPO માંડલ , એમ.એસ બહેનો ,NNM સ્ટાફ , આંગણવાડી કાર્યકરો તેમજ હેલ્પર બહેનો આ માસની ઉજવણીનેે લગતા કાર્યક્રમોમાં સક્રિય કામગીરી કરી રહ્યા છે
જેમાં મહિલા અને બાળ વિકાસ માંડલ, વિરમગામમાં પોષણ શપથ, પોષણ સલાડ, પોષણ તોરણ, પૌષ્ટિક વાનગી સ્પર્ધા વગેરે કાર્યક્રમો CDPO મીતાબેન જાનીના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતે કરવામાં આવી રહ્યા છે. સૌ ભેગા મળીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે પૂર્ણા શક્તિ, બાલ શક્તિ, માતૃશક્તિમાંથી ગુલાબજાંબુ, કેક, ઢોકળા, લાડુ વગેરે જેવી પૌષ્ટિક વાનગીઓ બનાવીને કુપોષિત બાળકોના પોષણના સ્તરને સુધારવા માટે અનેરા પ્રયત્નો કરી રહ્યા છે.
કિશોરીઓ નકામી વસ્તુઓમાંથી ઉપયોગમાં લઇ શકાય તેવી અવનવી વસ્તુઓ અને પોષણના સંદેશાઓ લખીને તોરણ બનાવી ઘરે-ઘરે કુપોષણ દૂર કરવા માટે પ્રયત્નો કરી રહી છે. તેમજ આંગણવાડીઓ પર ખૂબ જ સુંદર રીતે ફ્રૂટ ,શાકભાજી, કઠોળ, લીલી ભાજીનો ઉપયોગ કરીને પોષણ સલાડ બનાવીને તેમાંથી મળતા ભરપૂર વિટામિન્સ અને ફાઇબર વિશે સગર્ભા ,ધાત્રી ,કિશોરીઓને આંગણવાડી વર્કર બહેનો દ્વારા સલાહ સૂચનો આપવામાં આવી રહ્યા છે.