અમદાવાદઃ કૉંગ્રેસે યોજેલી ભારત જોડો યાત્રા દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યારે હવે કૉંગ્રેસે ભારત જોડો યાત્રા 2.0ની જાહેરાત કરી દીધી છે. કૉંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, અરૂણાચલપ્રદેશના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર સુધી આ યાત્રા યોજાશે. જોકે, ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તરની હતી. ને હવે બીજી યાત્રા પૂર્વથી પશ્ચિમની છે. તો હવે આ ભારત જોડો યાત્રા કરતા નવી યાત્રા કંઈક અલગ પ્રકારની હશે.
આ પણ વાંચોઃ Modhwadia alleges Government: સરકારે રજૂ કરેલું જાહેર પરીક્ષા બિલ ભૂલ ભરેલું, કૉંગ્રેસે આક્ષેપ કરતા સૂચવ્યા સુધારા
કૉંગ્રેસે છબી સુધારી છેઃ કોઈ પણ રાજકીય પક્ષ હવે જ્યારે નવી જાહેરાત કરે તો તેનો સીધો અર્થ એ થાય છે કે, લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં આવી રહી છે. તેને અનુલક્ષીને જ નવી જાહેરાત કે યાત્રા હશે તેવું ગણિત મનમાં ફીટ થઈ જાય છે. જોકે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ખાસ કરીને કૉંગ્રેસે ભારત જોડો યાત્રા કરીને દેશવાસીઓમાં છબીમાં સુધારો કર્યો છે. હવે કૉંગ્રેસ પૂર્વથી પશ્ચિમની યાત્રા કરીને બાકી રહી ગયેલા ભાગમાં પ્રચાર કરશે. તેમ જ કૉંગ્રેસ તેની વાત લોકો વચ્ચે લઈ જશે.
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પૂર્ણ થશે યાત્રાઃ કૉંગ્રેસની આ બીજી યાત્રા ગુજરાતના પોરબંદરમાં પૂર્ણ થવાની છે. પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે. મહાત્મા ગાંધીજીને યાત્રા સાથે જોડીને કૉંગ્રેસે સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. જોકે, હવે તેનો લાભ લોકસભાની ચૂંટણીમાં કેટલો મળે છે તે તો સમય બતાવશે. હાલ તો કૉંગ્રેસે યાત્રાની જાહેરાત કરીને સૌને વિચારતા કરી મૂક્યા છે.
કૉંગ્રેસના વોટ શેર સતત ઘટતો ગયો છેઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વર્ષ 2019માં 26 બેઠકોમાંથી 26 બેઠકો ભાજપને જ મળી હતી. તાજેતરમાં 2022 ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં કુલ 182 બેઠકોમાંથી 156 બેઠક ભાજપ જીતી ગઈ અને કૉંગ્રેસને માત્રને માત્ર 17 બેઠક જ મળી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસનો વોટ શેર ઘટીને માત્ર 27.3 ટકા રહ્યો હતો, જે 14.16 ટકાનો ઘટાડો દર્શાવે છે. તો સામે ભાજપનો વોટ શેર વધીને 52.5 ટકા હતો. ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ વિપક્ષનું પદ મળે તેટલી બેઠકો પણ મેળવી શકી નથી.
ગુજરાતમાં કૉંગ્રેસ 27 વર્ષથી સત્તાથી દૂરઃ ગુજરાતમાં કૉંગ્રેસ સતત નબળી થતી રહી છે અને છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી ગુજરાત એ ભાજપનો ગઢ બની ગયો છે. અને કૉંગ્રેસ ગમે તે કરે તો પણ હિન્દુત્વવાદી વિચારસરણીના કારણે ભાજપ સતત મેદાન મારતું રહ્યું છે. તેમ જ સત્તા પર સ્પષ્ટ બહુમતી સાથે રાજ કરી રહ્યું છે.
રાહુલ ગાંધી સાથે વિવાદાસ્પદ ચહેરાઃ અગ્રણી રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસ દ્વારા યાત્રાનો વિચાર સારો છે. તેમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી તેમાં રાહુલ ગાંધીએ અંતઃકરણપૂર્વક લોકોને મળવાનો અને જાણવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, ખાટલે મોટી ખોટ એ રહી છે કે, આ યાત્રામાં તેમની સાથે કેટલાક એવા વિવાદાસ્પદ ચહેરાઓ જોવા મળ્યા હતા. જેમ કે, ટૂકડે ટૂકડે ગેંગના સમર્થક સ્વરા ભાસ્કર, હિન્દુવિરોધી ફાધર અને. પોનૈયા, ગુજરાતમાં નર્મદા વિરોધી મેધા પાટકર, બાગેશ્વર ધામના ધીરેન્દ્રશાસ્ત્રીને પડકાર ફેંકનારા શ્યામ માનવ. આવા બધા લોકોને કારણે ભાજપને આક્ષેપ કરવાનો મોકો મળી ગયો હતો કે આ ભારત જોડો યાત્રા છે કે ભારત તોડો યાત્રા.
યાત્રાની સાથે સાથી પક્ષો સાથે ગઠબંધન વેળાસર કરવું જોઈએઃ રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ઉંમર્યું હતું કે, હવે જ્યારે રાહુલ ગાંધી અરૂણાચલથી ગુજરાતના પોરબંદર સુધીની યાત્રા કરી રહ્યા છે, ત્યારે તેમણે આવા ચહેરોઓ યાત્રામાં ન આવે તેનું ધ્યાન રાખવું પડશે. આ યાત્રા લોકસભાની 2024માં આવનારી ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. આ પહેલા તેમણે અન્ય પક્ષોના સાથે ગઠબંધનો વહેલાસર અને વેળાસર કરવા પડશે. તો જ વર્ષ 2024ની ચૂંટણીમાં ફાયદો મેળવી શકશે.
આ પણ વાંચોઃ Gujarat assembly session 2023 : ગુજરાતમાં જેટલું દૂધ નથી મળતું તેટલો દારૂ મળે છે, આ કોંગ્રેસ નેતા ઉકળ્યા
નફરત વચ્ચે પ્રેમ વહેંચવા નીકળ્યા છેઃ રાજકીય તજજ્ઞ અને પ્રૉફેસર હેમંતકુમાર શાહે ETV Bharatને જણાવ્યું હતું કે, હાલ ભારતના લોકોમાં ઘૃણા અને તિરસ્કારનું વાતાવરણ છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડોની યાત્રાથી સાબિત થયું છે કે, કૉંગ્રેસ પ્રેમ વહેંચવા નીકળી છે. વસુધૈવ કુંટુંબકમની ભાવના સાથે યાત્રા યોજાઈ ગઈ છે. હવે કૉંગ્રેસ પૂર્વથી પશ્ચિમની યાત્રા કરી રહી છે, તે સારી વાત છે અને આ યાત્રા ચૂંટણીમાં સફળ બનાવે કે ન બનાવે, પરંતુ ભારતના લોકોમાં રાહુલ ગાંધી નફરતની દુનિયામાં પ્રેમ વહેંચવા નીકળ્યા છે.