અમદાવાદ : ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે નવલી નવરાત્રી, આ દિવસોમાં યુવાધન રાસ રમવા થનગનતા રહે છે. શહેરમાં અનેક જગ્યાએ યોજાતા ગરબાઓમાં મોડી રાત સુધી યુવાધન હિલોળે ચડે છે. ત્યારે ખેલૈયાઓ મોજથી નવરાત્રીને માણી શકે તે માટે પોલીસ પણ સતર્ક છે. નવલી નવરાત્રીના બે દિવસ વીતી ચુક્યા છે. હવે ધીરે ધીરે રાત્રે એકત્રિત થતી ભીડમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં શાંતિ બની રહે તે માટે પોલીસ કમિશનરના આદેશથી દરેક જગ્યાએ 2100 જેટલી પોલીસ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : નવરાત્રીનો પર્વ એ માતાજીની ઉપાસનાનું પર્વ છે. જેમાં ભક્તિસભર વાતાવરણ વચ્ચે શેરી ગરબા તથા પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબાની મજા માણે છે. જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આ અંગે અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે, રાત્રિ દરમ્યાન ઓવરસ્પીડ કે નશો કરીને વાહન ચલાવતા લોકો માટે પોલીસ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જો કોઈ આવું કરતા પકડાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
શી ટીમની સુરક્ષા : નવરાત્રીમાં અસામાજિક તત્વો દ્વારા છોકરીઓની છેડતીના કિસ્સાઓ પણ જોવા મળે છે. આવા કિસ્સાઓ પર અંકુશ લાવવા માટે પોલીસની શી ટીમ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. શી ટીમના કર્મચારીઓ દ્વારા સિવિલ ડ્રેસમાં ગરબા સ્થળો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. નવરાત્રી પર્વ દરમિયાન ઓવર સ્પીડિંગ કરતા નબીરાઓ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતા યુવાનો પર અમદાવાદ પોલીસ અને એન્ટી રોમિયો સ્કોડ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.
ટ્રાફિક વિભાગની તૈયારી : નવરાત્રીના આ ધાર્મિક પર્વમાં શહેરમાં શાંતિનું વાતાવરણ બની રહે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગના ટ્રાફિક જવાનો, હોમગાર્ડ તથા ટીઆરબી જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. તારીખ 23 ઓક્ટોબર સુધી ચાલનારા આ નવરાત્રી મહોત્સવ દરમિયાન ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં મહોત્સવની ઉજવણી થઈ શકે તે માટે પૂર્ણ તૈયારી કરવામાં આવી છે. લોકોને નવરાત્રી મહોત્સવની ઉજવણી દરમિયાન પોલીસને સહકાર આપવામાં અપીલ કરવામાં આવી છે. જોકે પોલીસ પોતાની ફરજ બાબતે મક્કમ છે, ત્યારે હવે લોકોએ પણ પોલીસને સહકાર આપવો જરૂરી છે.