અમદાવાદ: રાજ્યમાં સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, પંચમહાલ, વડોદરા જેવા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા હતા. નદીકિનારે આવેલા ગામોમાં 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. અનેક ખેડૂતોના પાકનું ધોવાણ તેમજ જમીનનું પણ ધોવાણ થયું હતું. પાણી ઓસર્યા બાદ ઠેર-ઠેર નુકસાનીની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને ગુજરાતના કૃષિ પ્રધાન દ્વારા નુકસાન થયેલ પરિવાર માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તેને લઈને આમ આદમી પાર્ટીના સાગર રબારીનું નિવેદન સામે આવ્યું છે.
'દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ અને દાહોદ જિલ્લા માટે ગુજરાત સરકારના કૃષિમંત્રી દ્વારા એક પેકેટ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા આ પેકેટ જાહેર કર્યું છે. તે લોકોના ઘા ઉપર મીઠું ભભરાવવા સમાન છે. જેનું ઘર સંપૂર્ણ રીતે પડી ગયું હોય તે લોકો માટે ફક્ત 1,20,000નું જ વળતર જાહેર કરવામાં આવ્યું છે. શું ખરેખર આટલા રૂપિયામાં મકાન બનવું શક્ય છે ખરું...? જેના ખેતરોમાં કોતરો પડી ગયા છે તે માટે કોઈપણ પ્રકારની પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી.' - સાગર રબારી, પ્રદેશમંત્રી, આમ આદમી પાર્ટી
'જેનું મકાન સંપૂર્ણ નાશ પામ્યું છે. તેમને 1,20,000 મળશે અને જો આંશિક રીતે થોડું નુકસાન થયું હશે તે લોકોને 15,000 રૂપિયા અને કાચા મકાનને 10,000 રૂપિયા આપવામાં આવશે. કેટલાકના શેડ તૂટી ગયા છે તેમને 5000 રૂપિયા પરંતુ 5000માં શેડ બનાવો ખૂબ જ મુશ્કેલ છે. કપડાની સહાય માટે આખા પરિવારને 2500 રૂપિયા, ઘરવખરી માટે રૂપિયા 2500ની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ 2500 રૂપિયામાં એક સિંગતેલનો ડબ્બો પણ આવતો નથી. તો સમગ્ર પરિવારનું ઘરવખરી કેવી રીતે આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે.' - સાગર રબારી, પ્રદેશમંત્રી, આમ આદમી પાર્ટી
આવક સામે સહાય ઓછી: દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારની અંદર કેળનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. એક હેક્ટરમાં 3500 છોડ કેળના આવે જેમાં એક ગાંઠ 17 રૂપિયાની આવે છે. એક હેક્ટરમાં 59,500 તો માત્ર ગાંઠના રોકાય છે. ખેડ, ખાતર, દવા મજૂરીનો ખર્ચ તો અલગ પરંતુ તેની સામે સરકાર માત્ર 25000 રૂપિયા જ આપે છે. એક કેળ પરથી એ લુમ ઉતરે તો સામાન્ય રીતે 120 કિલોની હોય છે. જે રૂપિયા 10ના ભાવે વેચતા હોય છે. એનો મતલબ કે એક છોડમાંથી ખેડૂતને 200 રૂપિયા મળે છે. એક હેક્ટરમાં ખેડૂતને સાત લાખની આવક મળે છે. આટલી મોટી આવક સામે સરકાર દ્વારા માત્ર 25,000 રૂપિયા જ રાહત આપવામાં આવી રહી છે.
ખેડૂત જોડે અન્યાય: સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારના લોકોની સરકાર દ્વારા મજાક ઉડાડવામાં આવ્યું છે. મોટા મોટા ઝાડ ખેડૂતોના પડી ગયા છે. એ ઉગાડવા માટે જેટલો ખર્ચ કરવામાં આવે તે ખર્ચ નીકળે નહીં એવી પણ સહાય આપવામાં આવી છે. અનેક લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પશુઓ તેમના મરી ગયા છે. ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. કોતરો પણ પડી ગયા છે. તેમ છતાં સરકાર દ્વારા માત્ર લોલીપોપ જેવી જ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ સહાયથી ખેડૂત જોડે અન્યાય કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.