અમદાવાદ: રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાંથી આવી રહ્યા છે. ત્યારે નારણપુરા વોર્ડના કોર્પોરેટર સાધનાબેન જોશી અને તેમના પરિવારના અન્ય બે સદસ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, સાધનાબેન 5મી જૂનના રોજ મેયર દ્વારા યોજાયેલા તુલસી વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
અમદાવાદ નારણપુરા વોર્ડના કોર્પોરેટર અને ભાજપના નેતા સાધનાબેન જોશી અને તેમના પરિવારના બે સભ્યો કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ બે દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના પુત્ર અર્પણ શર્માને 11મી જૂનના રોજ કોરોનાની સારવાર લીધા બાદ SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
અમદાવાદમાં કોરોનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દરરોજ 450થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોર્પોરેટર અને રાજનેતાઓ પણ કોરોના સંક્રમણથી બાકાત રહ્યા નથી. અત્યાર સુધી અમદાવાદના 11 કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી કોંગ્રેસી કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત નીપજ્યું હતું.