- અમદાવાદના શાહપુરમાં વૃદ્ધની હત્યાનો બનાવ
- રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઇ
- 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો
અમદાવાદઃ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા નાગોરીવાડમાં વડવાળી પોળમાં મંગળવારે સાંજે પડોશીએ રૂપિયા 13 લાખની આર્થિક મદદ કરનારા મદદગારને પૈસા પરત કરવાની જગ્યાએ મારમારી બાદ મોત આપ્યું હતું. હાલ શાહપુર પોલીસે 3 મહિલા સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં 4 લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે.
શાહપુરમાં વૃદ્ધની હત્યા
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા નાગોરીવાડમાં વડવાળી પોળમાં મંગળવારે સાંજે પડોશીએ રૂપિયા 13 લાખની આર્થિક મદદ કરનારા મદદગારને પૈસા પરત કરવાની જગ્યાએ મારમારીથી મોત આપ્યું હતું. પડોશીને મૃતક વૃદ્ધે રૂપિયા 13.50 લાખની રોકડ રકમ ઉપરાંત પત્નીના દાગીના ગીરવે મુકી આર્થિક મદદ કરી હતી. જે રકમ પરત માંગતા આરોપી પડોશીએ પોતાના પરિવાર સાથે મળી વૃદ્ધને મારમારી તેમની હત્યા કરી હતી.
હત્યા કરનારા આરોપી કોણ છે ?
શાહપુર નાગોરીવાડમાં રહેતાં ટોરેન્ટ પાવરના નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણીયાને તેમની પડોશમાં રહેતાં મનુભાઈ ભજનભાઈ કાપડિયા સાથે ઘરોબો હતો. બન્ને પરિવાર વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. મનુભાઈને આર્થિક તકલીફ હોવાથી તેઓએ અશ્વિનભાઈ પાસે રૂપિયા 25 લાખની આર્થિક મદદ માગી હતી. જેથી અશ્વિનભાઈએ રૂપિયા 13.50 લાખની રોકડ રકમ આપી મનુભાઈને મદદ કરી હતી. મનુભાઈએ ફરી રકમ માંગતા અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવે મુકી ફરી મદદ કરી હતી. મનુભાઈએ આ રકમ પોતે બેન્કની નોકરીમાંથી નિવૃત્ત થશે, ત્યારે ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. મનુભાઈ એપ્રિલ-2020માં નિવૃત્ત થવાના હોવાથી અશ્વિનભાઈએ માર્ચ-2020માં મનુભાઈને પૈસા પરત ચૂકવવાની જાણ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
મનુભાઈને નિવૃત્ત થયે 9 મહિના વીતી ગયા છતાં પણ તેઓએ પૈસા પરત કર્યા ન હતા. મંગળવારે સવારે 7.30 કલાકે પોતાના ઘર પાસેથી પસાર થતા મનુભાઈ અને તેમના પત્ની ઉષાબેનને અશ્વિનભાઈએ ઉભા રાખી પૈસા ચૂકવવાના વાયદાની તારીખ હતી તેથી રકમ પરત માંગી હતી. મનુભાઈએ સાંજે અશ્વિનભાઈએ ઘરે બોલાવ્યા હતા. સાંજે 5.30 કલાકે અશ્વિનભાઈ, પત્ની અને પુત્રી ધર્મિષ્ઠા સાથે મનુભાઈના ઘરે ગયા હતા. આ દરમિયાન મનુભાઈ તેમની પત્ની ઉષાબેન, પુત્રીઓ પારુલ, સોનલ અને પુત્ર પરાગ પાંચે લોકોએ અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી તેઓને તથા તેમની પત્ની અને પુત્રીને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા હતા. મનુભાઈ અને પરાગ બન્નેએ અશ્વિનભાઈને ઢોર માર મારતા હતા તેઓ સ્થળ પર ફસડાઇ પડ્યા હતા. ઈજાના કારણે અશ્વિનભાઈને છાતીની ડાબી બાજૂથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવને પગલે ઘરે હાજર અશ્વિનભાઈના બન્ને પુત્રો સ્થળ પર પહોંચ્યા અને તેઓને સારવાર માટે ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન અશ્વિનભાઈનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શાહપુર પોલીસે મૃતક અશ્વિનભાઈના પુત્ર દુષ્યંતની ફરિયાદના આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.