અમદાવાદ : જિલ્લામાં બાવળામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા બે દિવસમાં અમદાવાદ જિલ્લામાં 49 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. દસક્રોઈ અને ધોળકા બાદ હવે બાવળા, વિરમગામ અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે.
દસક્રોઈ તાલુકામાં આંકડો વધીને 91 પર પહોંચ્યો છે. જ્યારે ધોળકામાં કોરોનાના કુલ 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડિલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા આટલા કેસ વધ્યા હતા. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 42 ધંધુકા 10, વિરમગામ 26, બાવળા -35 અને માંડલ તાલુકામાં 03 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જિલ્લામાં કોરોનથી પણ 19 દર્દીઓના મોત નીપજ્યાં છે.
અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.95 લાખ લોકોનું સ્ક્રિનિગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 34 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 90 અને સાણંદમાં 42 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.