અમદાવાદ: મોરબી ઝુલતા પુલ બ્રિજ દુર્ઘટનાને પગલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે. જેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણી દરમિયાન પીડિતોના વકીલ તરફથી તેમજ સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે. મોરબી હોનારત મુદ્દે SIT પોતાનો ફાઈનલ રિપોર્ટ ત્રણ સપ્તાહમાં કોર્ટ સમક્ષ મુકશે. આ રિપોર્ટમાં સંપૂર્ણપણે માહિતી સાથે કોર્ટ સમક્ષ રિપોર્ટને સોંપવામાં આવશે.
પીડિતોના વકીલની રજૂઆત: આ બાબતે પીડિતોના વકીલ ઉત્કર્ષ દવે તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે વચગાળાનો SITનો રિપોર્ટ તેમને હજુ સુધી અપાયો નથી. તેથી આ બાબતની એમને કોઈ પણ જાણકારી નથી. અને તે સીલ બંધ કવરમાં હતો. આ મામલે ચીફ જસ્ટિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફાઇનલ SIT રિપોર્ટ સિલ બંધ કવરમાં નહીં રખાય તે તમામ પક્ષકારોને આપવામાં આવશે. પીડિતોના વકીલ તરફથી એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે, આ ઘટનામાં જે પણ બાળકો અનાથ બન્યા છે. તેમના સંતાનોને શિક્ષણ વ્યવસ્થા આપવા રજૂઆત કરી હતી. વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે વળતરની સાથે શિક્ષણનું પણ વિચારવું જોઈએ.
અનાથ થયેલા બાળકોને 50 લાખની સહાય: જેના પર સરકાર તરફથી જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે અનાથ બાળકોને નામે 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમના ખાધા ખોરાકી અને અભ્યાસનું પણ સરકાર ધ્યાન રાખી રહ છે. તેમને સરકારની જુદી જુદી સ્કીમનો લાભ પણ મળશે. આ સાથે જ ઓરેવા કંપનીનો પણ તેમાં પોતાની રીતે ફાળો આપવામાં આવશે. આ બાબતે કોર્ટે આગામી મુદતમાં એફિડેવિટ સાથે જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો છે.
મૃતકોના પરિવારજનોને કુલ 20 લાખ રૂપિયાનું વળતર: પીડિતોના પૂરતા વળતર મુદ્દે સરકાર તરફથી હાઇકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી રીલીફ ફંડમાંથી ચાર લાખ રૂપિયા, પ્રધાનમંત્રીના ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને રાજ્ય સરકારે વધુ ચાર લાખ રૂપિયાની સહાય એમ મળીને કુલ સરકાર તરફથી દસ લાખ રૂપિયાની સહાય મૃતક દીઠ કરવામાં આવી છે. આ ઉપરાંત મૃતક દીઠ દસ લાખ રૂપિયા ઓરેવા કંપની તરફથી ગુજરાત લીગલ ઓથોરિટી સર્વિસમાં જમા કરાવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં મૃતકોના પરિવારજનોને કુલ 20 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર અપાયું છે, જ્યારે ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.