અમદાવાદ : મોરબી બ્રિજ દુર્ઘટનામાં લગભગ 135થી વધુ લોકોના અકાળે મૃત્યુ થયા હતા. જોકે આ ઘટનાને લઈને હાઇકોર્ટ સુઓમોટો લીધી હતી. બ્રિજનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો હતો. તે ઓરેવા ગ્રુપે પીડિતોને વળતર ચુકવવાની તૈયારી દર્શાવી હતી. ઓરેવા ગ્રુપે પીડિતોને બે વાર વળતર ચૂકવવું ન પડે તે માટે તેમાં રાહત મેળવવા હાઈકોર્ટ પાસે માંગ કરી છે. જોકે હાઇકોર્ટે આ માંગને ફગાવી દીધી છે. હાઇકોર્ટ કંપનીને નિર્દેશ આપ્યો છે કે, આ મુદ્દે સંબંધિત ફોરમ સમક્ષ રજૂઆત કરો.
ઓરેવા ગ્રુપની રજૂઆત : આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપની રજૂઆત હતી કે, કંપની મૃતકોને વળતર આપવાથી ભાગતી નથી. પરંતુ પીડિતોમાંથી 11થી 12 જેટલા લોકોએ વળતર માટે નેશનલ કન્ઝ્યુમર ફોરમ સમક્ષ દાવો કરેલો છે. હવે આવી સ્થિતિમાં માનો કે નેશનલ કન્ઝ્યુમર વળતર માટે રૂપિયા 30 લાખ ચૂકવવાનો હુકમ કરે અને કંપની પહેલાથી જ રૂપિયા 20 લાખ વળતર આપવા તૈયાર થઈ હોય તો આ સ્થિતિમાં કંપનીએ જે વળતર ચૂકવ્યું છે તે બાદ મળવું જોઈએ. આવી સ્થિતિમાં કંપનીએ બે વાર વળતર ચૂકવવાનો વારો આવશે. અમારા તરફથી કંપની વળતર મુદ્દે સોગંદનામું કરવાની છે. તેથી આવી સ્થિતિમાં વળતર સંદર્ભે યોગ્ય નિર્દેશ આપવામાં આવે.
કંપનીની માંગને ફગાવી : સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે ઓરેવા ગ્રુપની કંપનીની આ માંગને ફગાવી દીધી છે. હાઇકોર્ટ કંપનીને નિર્દેશ આપ્યો છે કે, આ મુદ્દે સંબંધિત ફોરમ સમક્ષ રજૂઆત કરો. આ બાબતમાં હાઇકોર્ટ કોઈ રાહત આપશે નહીં. જો સંબંધિત ફોરમ વળતર મુદ્દેની બાબતમાં સ્વીકાર કરે નહીં તો હાઈકોર્ટમાં અરજી કરી શકો છો.
વળતર ચૂકવવાનો પ્રસ્તાવ : મહત્વનું છે કે, આ કેસમાંથી બચવા માટે વળતર આપવાનો જે સહારો લીધો હતો. તેમાં કંપનીએ હાઇકોર્ટમાં પીડિતો માટે વળતર ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોના ઉછેર, ભણવાનો, રહેવાનો તમામ ખર્ચ કંપની ઉઠાવવા તૈયાર છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોના પરિવારને તેમજ ઇજાગ્રસ્ત લોકોને પણ કાયદા મુજબ વળતર ચૂકવવા તૈયાર છીએ.
આ પણ વાંચો : Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટનામાં આજે પ્રથમ સુનાવણી હાથ ધરાઈ, તમામ આરોપીને ચાર્જશીટની કોપી આપી
વળતર ચુકવવાથી લાભ : આ સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અને બાદમાં સારા થયેલા લોકોને તેમની સારવારનો તમામ ખર્ચ ઉઠાવીશું. ત્યારે પણ હાઇકોર્ટે કંપનીના આ પ્રસ્તાવને સ્વીકારતા સ્પષ્ટ પણે કહ્યું હતું કે, તમે તમારી ઈચ્છાથી વળતર ચૂકવવાનો પ્રસ્તાવ મૂકો છો અને વળતર ચૂકવો તો તેનો અર્થ એ જરાપણ નથી કે તમારી સામે સરકાર કે અન્ય ઓથોરીટી દ્વારા જે પણ પગલાં લેવાશે તેમાં કોઈ લાભ મળશે.
આ પણ વાંચો : Morbi Bridge Collapse : દુર્ઘટના પછી સરકારે શું કર્યું તે જણાવો, HCનો સવાલ
ઓરેવા ગ્રુપના માલિકે શું કહ્યું : ગત સુનાવણીમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે પણ નિવેદન આપ્યું હતું કે, તે તમામ 135 લોકોના વળતર ચૂકવવા માટે તૈયાર છે, ત્યારે હાઇકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જયસુખ પટેલ સામે કાયદાકીય કાર્યવાહી અને જે તે પગલા કાનૂની રીતે જ લેવામાં આવશે. તેમાં તેમને કોઈ રાહત મળશે નહીં. જોકે આ સમગ્ર મામલે હવે હાઇકોર્ટે નેશનલ કન્ઝ્યુમર ફોરમ સમક્ષ રજૂઆત કરવાનો કંપનીને નિર્દેશ આપ્યો છે.