અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે ચોમાસું જામવું જોઈએ તેના કરતાં થોડુક મોડું પડ્યું છે. નેઋત્યનું ચોમાસું 24 જૂને જમ્મુ કશ્મીર સુધી પહોંચી ગયું છે. પણ હજી ગુજરાતમાં જોઈએ તેવી પ્રગતિ થઈ શકી નથી. આ અગાઉ હવામાન શાસ્ત્રીઓએ કહ્યું હતું કે વાવાઝોડાને કારણે ચોમાસાની સીસ્ટમ પર વિપરીત અસર પડશે અને ચોમાસું લેટ થશે.
આગામી બે દિવસમાં વરસાદની આગાહી: ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસમાં જમ્મુ કશ્મીર, લદાખ, ચંદીગઢ અને દિલ્હી સહિત હરિયાણાના કેટલાક ભાગો તેમજ ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં વરસાદ આવવાની હવામાન વિભાગે સંભાવના રજૂ કરી છે.
ચોમાસું કયાં આગળ વધી રહ્યું છે?: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ સહિત મહારાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ અરબી સમુદ્ અને તેની નજીક ગુજરાતના દરિયાકાંઠે સરેરાશ 3.1 કિમી સમુદ્રની સપાટી પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આપશે.
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી: હવામાન વિભાગના ડાયરેક્ટ વીજીન લાલના જણાવ્યું અનુસાર આધારે 25 જૂન, 2023ના રોજ ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ થશે. 26 જૂનથી 28 જૂન સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાતના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમસરનો વરસાદ થશે. ટૂંકમાં 25 જૂનથી ચોમાસું સત્તાવાર રીતે બેસી જશે.
ગુજરાતમાં આજે વરસાદ પડ્યો: ગુજરાતમાં આજે 24 જૂનથી જ પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. ગોધરામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. હાલોલ, કાલોલ, જાંબુઘોડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના હિમ્મતનગરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ થયો હતો. હાઈવે પર પાણી ભરાયા હતા. અમરેલીના સાવરકુંડલા ભારે વરસાદ થયો છે. મોટા ભમોદરા ગામની વેકરિયો નદીમાં પુર આવ્યું હતું. સીઝનમાં વરસાદ શરૂ થતાં ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ખુશી છવાઈ ગઈ હતી. અમરેલીના બગસરા, કુકાવાવના અમરાપુરમાં ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે. જેને કારણે ગુજરાતના તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. ખેડા- નડિયાદમાં આજે વહેલી સવારે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. રોડ અને નાળામાં પાણી ભરાઈ ગયા હતા.
મુંબઈમાં ભારે વરસાદની સંભાવનાએ યલો એલર્ટ: મુંબઈમાં નૈઋત્યના ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને આજે 24 જૂને ધમાકેદાર વરસાદ થયો છે. બે દિવસ વધુ ભારે વરસાદ થવાની આગાહી છે. અને હવામાન ખાતાએ યલો એલર્ટ જાહેર કરી દીધું છે. એક અહેવાલ અનુસાર રાયગઢ, થાણે, મુંબઈ અને પાલઘર તરફ ચોમાસું આગળ વધવાના સાનુકુળ સંજોગો સર્જાયા છે. ચોમાસું આજે મુંબઈમાં પ્રવેશ કરી ગયું છે. 26 અને 27 જૂને પાંચ ઈંચથી વધુ વરસાદ થવાની સંભાવનાને પગલે હવામાન ખાતાએ યલો એલર્ટ જાહેર કરી દીધું છે.