અમદાવાદ : રાજ્યમાં ચોમાસા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. જેના કારણે પાણી ભરાવાની સમસ્યા થવાથી રોગચાળો ફેલાય તેનો ભય હોય છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર પણ છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાણીજન્યો તેમજ મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયો છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં મચ્છરજન્ય કેસ અંદાજે 100 જેટલા નોંધાયા છે, જ્યારે પાણીજન્ય કેસ 900 જેટલા નોંધાયા છે.
એક સપ્તાહમાં રોગચાળામાં વધારો : અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે/ રોગચાળાનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે. જેમાં મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો, છેલ્લા એક સપ્તાહમાં સાદા મેલેરીના કેસ 42 નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના 1, ડેન્ગ્યુના 11 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 50,247 જેટલા લોહીના સેમ્પલ લઈને લેબોરેટરી ખાતે ચેકિંગ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે 1397 જેટલા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો : અમદાવાદ શહેરની અંદર છેલ્લા એક સપ્તાહની અંદર પાણીજન્ય કેસમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેની અંદર છેલ્લા એક સપ્તાહમાં ઝાડા ઉલટીના 607 કેસ, કમળાના 107 કેસ, ટાઈફોડના 238 કેસ નોંધાયા છે. જેમાં ચાલુ વર્ષ દરમિયાન રેસીડેન્સીયલ ક્લોરિન ટેસ્ટ 12,788 કરવામાં આવ્યા છે. જ્યારે બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 3326 જેટલા પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 70 જેટલા પાણીના નમૂના અનફિટ સેમ્પલ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રાઇવેટ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેનો ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે પણ વિદ્યાર્થીઓને મચ્છરથી મેલેરિયા જેવા કોઈપણ કેસ સામે આવે તો તેની સારવાર પણ કરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં પડી રહેલા વરસાદને કારણે પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ તેમજ ફોગીગની કામગીરી કરવામાં આવી રહી છે. - ડો ભાવિન સોલંકી (આરોગ્ય અધિકારી, AMC)
QR કોડથી ડેટા એકત્રિત : ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય કેસ ન વધે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી 4000 જેટલી અલગ અલગ વિભાગની ઓફિસમાં દરેક ઝોનના અધિકારીને જવાબદારી આપવામાં આવી છે. જેની અંદર અમદાવાદ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં સ્કેન કરી તમામ વિગતોની અંદર ભરવાની રહેશે. એક મહિનામાં બે વખતે રિપોર્ટ જે તે આરોગ્ય અધિકારીને આપવાનો રહેશે. આ રિપોર્ટ જમા કરાવતી વખતે જો કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે. તો જવાબદાર અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.