અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા. ત્યારે ગુજરાત મુલાકાત દરમિયાન મોહન ભાગવતે અમદાવાદ ખાતે નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.
મણિનગર ખાતે આવેલ RSSના કાર્યાલયનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું. કાંકરિયા, મણીનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન જૂના કાર્યાલયને તોડી નવું અને અધ્યતન બિલ્ડિંગ ઉભું કરવામાં આવ્યું છે.
પાંચ માળના આ બિલ્ડિંગના પ્રથમ માળે મોટો હોલ બનાવવામાં આવ્યો છે. જ્યાં 200થી 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. જ્યારે બીજા અને ત્રીજા માળે પણ આ પ્રકારે નાના-નાના હોલ બનાવવામાં આવ્યાં છે. ચોથા અને પાંચમા માળે કાર્યકર્તાઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંઘસંચાલક મોહન ભાગવત દેશમાં CAA લાગૂ થયા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ભાગવત બે દિવસના કાર્યક્રમ દરમિયાન સંઘના જુદા-જુદા કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
આ હેડગેવાર ભવન સાથે સંઘ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક જુદી યાદો જોડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી જ્યારે સંઘ અને ભાજપના કાર્યકર હતા. તે દરમિયાન અને ત્યારબાદ મુખ્યમંત્રી બન્યાં બાદમાં પણ હેડગેવાર ભવનની સમયાંતરે મુલાકાત કરતા હતાં.