અમદાવાદ : મંગળવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસમાં અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, આઈએએસના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આઈએએસ, જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યૂટી કમિશનર હેલ્થની ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ તથા નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા ઈન્ટર્નની સેવાઓ કોરાના સામેના જંગમાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં શહેરમાં આવેલી મેડિકલ, ડેન્ટલ, નર્સીંગ કોલેજના ઈન્ટર્નના તેમજ વિદ્યાર્થીઓની સેવાઓ, ફિલ્ડ સર્વેલન્સ, સુપરવિઝન, સંક્રમણને અટકાવવા તથા નિયંત્રણ માટેના પગલા, ટેસ્ટીંગ, મનોચિકિત્સક તથા સામાજિક સંભાળ, નર્સીંગ આસીસ્ટન્ટ તરીકે તથા લક્ષણો ન ધરાવતા હોય તેવા ક્વોરેન્ટાઇન કરેલા કોરોના દર્દીઓની તપાસ, લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ તેમજ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સંભાળ માટે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.