અમદાવાદ: "શિક્ષક એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ"... ગુજરાતમાં એક એવો વિસ્તાર કે જ્યાં પ્રકૃતિ તો સોળે કળાએ ખીલી ઉઠે છે. પરંતુ તે વિસ્તારમાં એજ્યુકેશન ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. જેના થકી ત્યાંના બાળકો ખૂબ જ ઓછા શિક્ષિત જોવા મળી શકે છે. પરંતુ તેજ વિસ્તારમાંથી આવતા મહેશ વસાવાએ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના પરિવારના પહેલા જ શિક્ષક બન્યા અને પોતે ચિત્રકળામાં ખૂબ જ નિપૂણ હોવાને કારણે શાળાના બાળકોને પણ ચિત્રકળામાં નિપુણ કર્યા હતા. તે બાળકોને રાષ્ટ્રપતિના હાથેથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
"હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પિતા ચાની લારી ચલાવી રહ્યા હતા. મારા પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. ઘરની પરિસ્થિતિ સારી ના હોવાને કારણે દિવસે કામ કરતો અને રાત્રે અભ્યાસ કરતો હતો. અમારા ઘરમાં આવકનું સ્ત્રોત માત્ર પિતા હતા. જ્યારે અમે મજૂરી કરીને પિતાને થોડાક અંશે મદદરૂપ થયા હતા. મારા પિતાએ સંઘર્ષમય જીવન પસાર કર્યું હતું. પરંતુ બાળકો આવું જીવન પસાર ના કરે તે માટે એમને સારું શિક્ષણ અપાવ્યું. જેના થકી હું આજે મારા પરિવારનો પહેલો શિક્ષિત વ્યક્તિ છું. સારું શિક્ષણ પ્રાપ્ત કરીને એક શિક્ષક તરીકે સેવા આપી રહ્યો છું-- મહેશ વસાવા,(ચિત્રકાર)
બાળપણથી જ શોખ: પહેલાના સમયની અંદર ગૃહ કાર્ય કરવા માટે સ્લેટ અને પેનનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે સમયે મહેશ વસાવા પણ પોતાનું ગૃહકાર્ય તે સ્લેટની અંદર કરીને જતા હતા. પરંતુ શિક્ષણ દરમિયાન તેમણે ચિત્ર દોરવાનો પણ શોખ હતો. તેથી તે ચિત્ર પણ સ્લેટમાં જ દોરતા હતા. ચિત્ર સારા દોર્યા હોવાને કારણે તેમને તે ચિત્ર હટાવવાનું મન થતું ન હતું. જેના કારણે ઘણી બધી વખત તેમનું ગૃહકાર્ય બાકી રહેતું હતું. તેમ છતાં તેમણે શિક્ષણ તો પ્રાપ્ત કર્યું પણ સાથે સાથે ચિત્રકલામાં પણ પ્રાપ્ત કરી છે.
1000 થી વધુ ચિત્રો: મહેશ વસાવા પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. તેમણે નર્મદા કિનારે જઈને નદી,તળાવ, પહાડોના ચિત્રો દોર્યા છે. જેમાં કુલ તેમણે અત્યાર સુધીમાં 1000થી પણ વધુ ચિત્રો દોર્યા છે. જેમાં પોસ્ટર કલર, વોટર કલર, ઓઇલ કલરનો ઉપયોગ કર્યો છે. જેમાંથી 118 જેટલા વોટર કલર ચિત્રો બનાવ્યા છે. તેમના કુલ 16 જેટલા પેઇન્ટિંગ શો પણ થયા છે. જેમાં હાલ તેમના 40 જેટલા પેઇન્ટિંગ અમેરિકાના એક એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે. મહેશ વસાવા ચિત્રકળાની સાથે શિક્ષક પણ હોવાથી બાળકોને ચિત્રકળાનું જ્ઞાન પણ આપી રહ્યા છે.
રાષ્ટ્રપતિ હસ્તક એવોર્ડ: મહેશ વસાવા શિક્ષકના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે કે જે શાળામાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. તે જ શાળાના બાળકોને ચિત્રકળા પણ શીખવાડી રહ્યા છે. તેમને ચિત્રકળામાં તૈયાર કરેલા બાળકોએ નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. જેમાં 2017 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે પણ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત મહેશ વસાવા પણ ઓલ ઇન્ડિયા ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો છે. જે તેમના ચિત્રોને પસંદગી થવાને કારણે તેમને નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.