સરકારે જાહેરાત કર્યા બાદ અમદાવાદ જિલ્લામાં છેલ્લાં 18 દિવસમાં અંદાજે 37476 જેટલા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અંદાજે સરેરાશ પ્રતિદિન 2900 ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. 1 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર સુધી 13061 જેટલા દસ્તાવેજોની નોંધણી કરાઈ હતી. જેમાં ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ આધારે રૂા.12.81 કરોડ અને ફ્રેન્કીંગ આધારે રૂા.94.77 કરોડની વસુલાત કરાઈ હતી. સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકનતંત્રના અધિકારીએ કહ્યુ કે, હાલમાં અમદાવાદમાં 60 ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો અને 169 બેંકોમાં ફ્રેન્કીંગ મશીનની સુવિધા ઉપલબ્ધ છે.
રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી તેમજ બેંકોને પણ ઇ-સ્ટેમ્પીંગ લાયસન્સ આપવાનું નકકી કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લાની કોર્ટમાં સ્ટેમ્પ વેન્ડર્સ નોન-જયુડીશીયલ અને જયુડીશીયલ સ્ટેમ્પનું વેચાણ કરી શકે છે. સ્ટેમ્પ વેન્ડર્સે તા.1 ડિસેમ્બર 19 બાદ નોન-જયુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પનું વેચાણ બંધ થશે. પરંતુ 1 ડિસેમ્બર 19 બાદ જયુડીશીયલ સ્ટેમ્પ તેમજ કોર્ટ ફી લેબલનું વેચાણ ચાલુ રહેશે.
અમદાવાદમાં મીરજાપુર કોર્ટમાં સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઇન્ડિયા લીમીટેડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઇ-સ્ટેમ્પીંગ કાઉન્ટર કાર્યરત કરાયુ છે. લાલદરવાજા પાસે અપના બજારના પાંચમાં માળે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ઇ-સ્ટેમ્પીંગ કાઉન્ટરની સુવિધા, લાલદરવાજા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેમજ કર્મચારી કો.ઓપ.બેંક લીમીટેડમાં ,મેટ્રોપોલીટન અને એકઝિકયુટીવ મેજીસ્ટ્રેટની કોર્ટ, ઘી-કાંટા ખાતે આવેલ સબ રજીસ્ટ્રાર કચેરી,અમદાવાદ-1(સીટી) ખાતે પણ ઇ-સ્ટેમ્પીંગ કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ છે.