અમદાવાદઃ હાલમાં રાજ્યભરમાં વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાનની ખરાબ અસર લોકોના આરોગ્ય પર જોવા મળી રહી છે. તેમાં સૌથી વધુ કેસો H3N2 ઈન્ફ્લુએન્ઝા ફ્લૂના જોવા મળે છે. આ ફ્લૂના લક્ષણો વિશે અને H3N2 ફ્લૂથી બચવા અંગેના ઉપાયો અને કાળજી વિશે જાણીએ.
આ પણ વાંચોઃ H3N2 Virus : H3N2 વાયરસ કહેર વચ્ચે ટેસ્ટિંગ કિટનાકચ્છમાં ફાંફા
H3N2 વાઈરસઃ H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસ છે. તે ઈન્ફ્લુએન્ઝા A વાઈરસનો પેટા પ્રકાર છે. આ એક એવો વાયરસ છે, જેના લક્ષણોમાં આપમેળે ફેરફાર થાય છે, જેને એન્ટિજેનિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે. આ એક શ્વાસ સંબંધિત વાઈરલ ઈન્ફેક્શન છે. તેમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. H3N2 ઈન્ફ્લૂએન્ઝાને ‘હોંગકોંગ ફ્લૂ’ પણ કહેવામાં આવે છે.
H3N2 વાઈરલ ઇન્ફેકશન (H3N2 સીઝનલ ફ્લૂ) કેવી રીતે ફેલાય છે?: H3N2 ઈન્ફલ્યૂએન્ઝા વાઈરસ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંક દ્વારા તંદુરસ્ત વ્યક્તિ સુધી પહોંચે છે. આ વાઈરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાય છે. ઈન્ફ્લુએન્ઝાથી સંક્રમિત કોઈ વ્યક્તિ જ્યારે ખાંસે કે છીંકે ત્યારે તેના ડ્રૉપલેટ હવામાં એક મીટર સુધી ફેલાઈ શકે છે. ને જ્યારે કોઈ બીજી વ્યક્તિ શ્વાસ લે તો એ ડ્રૉપલેટ તેના શરીરમાં જતા રહે છે અને તેને સંક્રમિત કરી દે છે.
H3N2 વાઈરલ ઇન્ફેકશન (H3N2 સીઝનલ ફ્લૂ)ના લક્ષણોઃ સતત ઉધરસ, માથાનો દુખાવો, તાવ આવવો, શરદી, વહેતું નાક અને બંધ નાક, શરીરમાં દુખાવો, ઉબકા, ઉલટી અથવા ઝાડા, ગળામાં દુખાવો અથવા ખરાશ, થાક, શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ ફૂલી જવો, આ રોગની ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને ઓક્સિજનની અને ICUની જરૂર જણાઈ શકે છે.
H3N2 વાઈરલ ઈન્ફેકશનના લક્ષણોનો સમયગાળોઃ H3N2થી ઈન્ફેક્શનનાં લક્ષણો પાંચથી સાત દિવસ સુધી ચાલુ રહી શકે છે. તાવ ત્રણ દિવસ સુધી રહી શકે છે. જયારે ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહી શકે છે.
H3N2 વાઈરલ ઇન્ફેકશનનું નિદાનઃ બ્લડ સેમ્પલ અને અન્ય લેબ ટેસ્ટ, શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન લેવલ 93ની નીચે હોય, છાતી અને પેટમાં દુખાવો મળે તો તરત જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.
H3N2 વાઈરલ ઇન્ફેકશન અંગે કોણે સૌથી વધુ કાળજી રાખવી જોઈએઃ બાળકો અને વૃદ્ધો માટે H3N2 વાયરસનું જોખમ વધારે છે. કારણ કે, તે રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. જે લોકોને અસ્થમા, હ્રદયરોગ, ડાયાબિટીસ, કિડની સંબંધિત રોગો હોય તેમ જ ડાયાલિસીસ પર રહેલા દર્દીઓ, સ્થૂળતા અને નબળી રોગપ્રતિકારક શક્તિની ફરિયાદ હોય તેવા લોકોને પણ આ ઈન્ફેકશનનું વધુ જોખમ રહેલું છે. ઉપરાંત સગર્ભા સ્ત્રીઓને પણ આ વાયરસનું જોખમ વધારે રહે છે.
આ પણ વાંચોઃ H3N2 Virus : રાજકોટમાં H3N2ના એક પણ કેસ નહિ! શું આંકડાઓની રમતો થઈ શરૂ?
H3N2 વાઈરલ ઈન્ફેકશન (H3N2 સીઝનલ ફ્લૂ) નિયંત્રણ માટેના પગલાંઃ ચેપથી બચવા સાબુ અને પાણીથી હાથ ધોવા, જો લક્ષણો હોય તો ફરજિયાત માસ્ક પહેરવું અને ભીડવાળી જગ્યાઓ જવાનું ટાળવું. છીંક અને ઉધરસ આવે ત્યારે મોં અને નાક ઢાંકવું, સેનિટાઈઝરને સાથે જ રાખવું અને તેનો ઉપયોગ કરવો. પુષ્કળ પ્રવાહી પીવું, મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા. સામાજિક અંતર જાળવવું. ચેપ ટાળવા માટે વારંવાર ચહેરો-આંખો પર વારંવાર હાથ ન ફેરવો. લોકોએ પણ સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું જરૂરી છે. ફેસ માસ્ક ફલૂના ફેલાવાને અટકાવી શકે છે અને હાનિકારક કણોને શરીરમાં પ્રવેશતા પણ રોકી શકે છે. જો તમને આ ફ્લૂ થાય તો તાવ ઓછો થાય તે પછીના 24 કલાક સુધી ઘરમાં જ રહેવું. જેથી અન્ય લોકોમાં પણ આ બિમારીને ફેલાતી રોકી શકાય છે. કોઈ સાથે હાથ ન મિલાવવો અથવા અન્ય રીતે સંપર્ક ન કરવો, બીમાર વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું. જાહેરમાં થૂંકવું નહીં. ડૉક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ અથવા અન્ય દવાઓ ન લેવી. એકબીજાની નજીક બેસીને સાથે ભોજન કરવું નહીં.