રાજકોટ : હાલમાં જ રાજકોટ પોલીસની SOG ટીમે ભાવનગર રોડ પર રિક્ષામાં નશીલા પદાર્થ સાથે બેઠેલા બે શખ્સને ઝડપી પાડ્યા છે. આોરોપીઓ પાસેથી લાખોની કિંમતનો ચરસનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ચરસનો વેપલો : રાજકોટ પોલીસની SOG ટીમને માહિતી મળી હતી કે, ભાવનગર રોડ પર શાળા નં. 13 પાસે રિક્ષામાં બેઠેલા બે શખ્સ પાસે માદક પદાર્થનો જથ્થો છે. જેથી બાતમી મળતાં જ PI સંજયસિંહ જાડેજા સહિતની ટીમ સ્થળ પર દોડી ગી હતી. પોલીસે રીક્ષાની તપાસ કરતા શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળ્યો હતો. FSL નિષ્ણાતને બોલાવતા તેમણે આ જથ્થો ચરસનો હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું.
6 લાખના ચરસ સાથે બે ઝડપાયા : રાજકોટ પોલીસે રૂ. 5,94,750ની કિંમતનો 3.965 કિલોગ્રામ ચરસ, બે મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.6,59,750 નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં બેઠેલા લલૂડી વોંકળી પાસે રહેતા 32 વર્ષીય શબ્બીર સલીમ શેખ અને સહકાર મેઇન રોડ પર કલ્યાણ હોલ નજીક રહેતા 30 વર્ષીય અક્ષય કિશોર કથરેચાની ધરપકડ કરી હતી. ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે મુદ્દે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.