અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં PMO ના એડિશનલ ડાયરેક્ટર બનીને અનેક વાર મુલાકાત લઇ મહેમાનગતિ માણનાર મહાઠગ કિરણ પટેલને અંતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રક્રિયા પૂર્ણ થતા જમ્મુ કાશ્મીરમાં પરત જેલ હવાલે કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ સામે અલગ અલગ ત્રણ ફરિયાદો બાબતે તેની તપાસ કરવામાં આવી હતી અને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લીધો હતો કસ્ટડીમાં: જમ્મુ કાશ્મીરમાં નકલી સરકારી અધિકારી બનીને જમ્મુ કાશ્મીરમાં સંવેદનશીલ જગ્યાઓમાં મહેમાનગતિ માણનાર કિરણ પટેલની કેન્દ્રીય ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટના આધારે તપાસ બાદ ધરપકડ કરી હતી. જે મહાઠગ અમદાવાદ શહેરમાં રહેતો હોય અને તેણે અમદાવાદમાં અનેક લોકો સાથે પણ ઠગાઈ આચરી હોય જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી તેની કસ્ટડી મેળવી હતી.
છેતરપિંડીની ત્રણ ફરિયાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ સામે ત્રણ અલગ અલગ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પ્રથમ ફરિયાદની વાત કરીએ તો 22 મી માર્ચ 2023ના રોજ અમદાવાદના સિંધુભવન રોડ પર તાજ સ્કાય લાઈન હોટલ પાસે આવેલા નીલકંઠ બંગલોમાં રહેતા જગદીશ ચાવડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં કિરણ પટેલ અને તેની પત્ની માલીની પટેલે ભેગા મળીને ફરિયાદીનો બંગલો રીનોવેશનના નામે લઈને ફરિયાદી પાસેથી રીનોવેશનના નામે 35 લાખ રૂપિયા લઈ બંગલો પોતાનો હોવાનો દેખાડો કરી, તેમાં વાસ્તુ પૂજા કરી હતી. જે બાદ કોર્ટમાં દિવાની દાવો પણ કર્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની જમ્મુ કાશ્મીરથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.
અમદાવાદના ડોક્ટર સાથે ઠગાઈ: જે સમયગાળા દરમિયાન જ કિરણ પટેલ સામે અમદાવાદના થલતેજમાં રહેતા ડોક્ટર હાર્દિક ચંદારાણાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી પોતે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા હોય કિરણ પટેલે પોતે પીએમ ઓફિસમાં ડાયરેક્ટર હોવાની ઓળખ આપી વીઝીટીંગ કાર્ડ વ્હોટ્સએપ કરી કાશ્મીર ખાતે મોટી ઇવેન્ટ અપાવવાની લાલચ આપી G20 સમિટના બેનર હેઠળ હોટલ હયાતમાં 1.91 લાખ તેમજ કાશ્મીર ખાતે મોટી ઇવેન્ટ અપાવવાના બહાને કુલ 3 લાખ 51 હજારથી વધુ રૂપિયાનો ખર્ચ કરાવીને છેતરપિંડી આચરી હતી.
મિલકત વેચવાના નામે ઠગાઈ: કિરણ પટેલ સામે નોંધાયેલી ત્રીજી ફરિયાદની વાત કરવામાં આવે તો અમદાવાદના બોપલમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા ઉપેન્દ્રસિંહ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓને મિત્ર થકી કિરણ પટેલ સાથે પરિચય થયો હતો અને કિરણ પટેલે પોતાની નારોલ વિસ્તારમાં આવેલી મિલકત વેચવાના નામે 80 લાખ રૂપિયા જેટલી મોટી રકમ પડાવી લીધી હતી. જે બાદ બાનાખત કરાવી દસ્તાવેજ ન કરાવીને લીધેલા પૈસા પણ પરત ન આપીને ઠગાઈ આચરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની તપાસ: મહત્વનું છે કે મહા ઠગ કિરણ પટેલની અંદાજે 10 દિવસ સુધી ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ મેળવી અલગ અલગ બાબતોને લઈને તપાસ હાથ ધરી હતી. જેમાં સૌ પ્રથમ કિરણ પટેલના ઘરે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટની વિગતો સ્ટેમ્પ તેમજ કિરણ પટેલે જે બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો, તે બંગલાની ચાવી અને વાસ્તુ પૂજાની આમંત્રણ પત્રિકાઓ મળી આવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલે જે દુકાનમાંથી પોતાનું વીઝીટીંગ કાર્ડ બનાવ્યું હતું તે મણીનગરની દુકાનમાં પણ તપાસ કરી પુરાવાઓ એકત્ર કર્યા હતા.
મહાઠગ કિરણ પટેલના બેન્ક સ્ટેટમેન્ટની તપાસ: તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ કિરણ પટેલ જે સીમકાર્ડ વાપરતો હોય તે સીમકાર્ડ સરકારી નંબર જેવો જ દેખાતો હોય ત્યારે તે બાબતને લઈને પણ તપાસ હાથ ધરી હતી. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના બેન્ક સ્ટેટમેન્ટની પણ તપાસ કરી હતી. જેમાં તે શીલજના વેપારીનો બંગલો ખરીદી શકે તે પ્રકારના કોઈપણ ટ્રાન્જેક્શન ન મળી આવ્યા હતા. વધુમાં ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની સંપત્તિ અને અન્ય બાબતોને લઈને પણ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો Kiran Patel in Kashmir police custody: મહાઠગ કિરણ પટેલ ફરી કાશ્મીર પોલીસની કસ્ટડીમાં
અલગ અલગ કલમો હેઠળ ગુનો: મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા ત્રણ ગુનામાં છેતરપિંડીની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં IPC ની કલમ 406, 420, 170 અને 120 (બી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. શીલજમાં બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાઈ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલીની પટેલની પણ ધરપકડ જંબુસર ખાતેથી કરી હતી અને જેને રિમાન્ડ પૂર્ણ થતા સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવી છે.
કિરણ પટેલ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં: જમ્મુ કાશ્મીરમાં કિરણ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હોય ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ કિરણ પટેલને ફરિવાર શ્રીનગરની જેલમાં સોમવારે સોંપવામાં આવ્યો છે. શ્રીનગરમાં નિશાંત પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. જમ્મુ કાશ્મીર પોલીસે ત્રણ સભ્યોની એક ટીમ પણ આ સમગ્ર હાઈ પ્રોફાઈલ કેસની તપાસ માટે નીમવામાં આવી છે. જેમાં એક આઈએએસ અધિકારી વિજયકુમાર બીધુરીની પણ નિમણૂક તપાસ અધિકારી તરીકે કરવામાં આવી છે. આગામી દિવસોમાં કિરણ પટેલની તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવું રહ્યું.