અમદાવાદ: અમદાવાદની નારાયણા સેન્ટ્રલ સ્કૂલમાં અભ્યાસ કરતા લિટલ કરાટે કિડ દેવ વોરાની સિદ્ધિઓ કોઈ મોટા રમતવીરથી ઓછી નથી. ફક્ત ચાર વર્ષની ઉંમરથી જ તેણે ભાવનગરના કરાટે માસ્ટર કહેવાતા પ્રદીપભાઈ પારેખ પાસેથી કરાટેની પદ્ધતિસર તાલીમ લેવાની શરૂઆત કરી હતી. સખત પરિશ્રમ અને ધગશ વડે તેણે કરાટેની ઇન્ટર સ્કૂલ, ઇન્ટર સીટી અને ઇન્ટર સ્ટેટ જેવી મહત્વની સ્પર્ધાઓમાં સફળતા હાંસલ કરી હતી અને આ ઉંમરે ખૂબ જ અઘરો ગણાતો બ્લેક બેલ્ટ ટુ મેળવ્યો હતો.
દેવ વોરા રમતની સાથે સાથે ભણવામાં પણ મહેનત કરી સારું પરિણામ મેળવતો. તેના માતાપિતા સાથે ભાવનગરથી અમદાવાદ સ્થાયી થતા અહીં પૂર્વાંગ નાયક તેના માર્ગદર્શક બન્યા. દેવને તેના માતા યોગીતાબેન અને પિતા નિલેશભાઈ વોરાનો પણ સંપૂર્ણ સહયોગ સારો મળી રહ્યો જેના કારણે તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, દિલ્હી જેવા અલગ અલગ રાજ્યોમાં કરાટેની સ્પર્ધાઓમાં ભાગ લઇ ગુજરાતનું નામ રોશન કર્યું. આ પછી તેણે વિશ્વસ્તરે શ્રીલંકા, મલેશિયા, જાપાન અને ચાઇના જેવા દેશોના રમતવીરો સાથે પણ કરાટેમાં મુકાબલો કરી સફળતા મેળવી. દેવ વોરાએ ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાઓ જેવી કે ખેલ મહાકુંભ, ખેલ રત્નમાં ભાગ લઈને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. દેવનું કહેવું છે કે રમતમાં જીત મળે કે હાર દરેક અનુભવોમાંથી તે સતત કંઇ ને કંઇ શીખી રહ્યો છે.
કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના સમયમાં પણ દેવ વોરાએ કરાટે પ્રેક્ટિસ છોડી ન હતી અને ઘરે બેઠા ઓનલાઇન થતી કરાટેની ટ્રેનિંગ અને પોતાના મિત્રો પાસેથી કરાટેની ટિપ્સ અને ફિટનેસની માહિતી મેળવી હતી. ઓનલાઈન ક્લાસ કર્યા બાદ તે ઘરમાં જ કરાટેની પ્રેક્ટિસ કરતો. હાલમાં દેવ વોરાને ગુજરાત સરકાર તરફથી દર મહિને ચાર હજાર પાંચસો રૂપિયા તેમની કરાટેની પ્રેક્ટિસ અને જરૂરી આહાર અને ન્યુટ્રિશ્યન મળી રહે તે માટે મળી રહ્યા છે. દેવ વોરા અને તેમના માતા પિતાનું સપનું છે કે ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરે અને દેશ માટે મેડલ જીતીને નામ રોશન કરે.
આ પંદર વર્ષના બાળકના કરાટે પ્રત્યેના લગાવ, પરિશ્રમ અને સમર્પણ માટે ઇટીવી ભારત તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
અમદાવાદથી કેમેરામેન મુકેશ ડોડીયા સાથે મનન દવેનો વિશેષ અહેવાલ.