અમદાવાદઃ કોરોના વાઇરસ મહામારી અને તેના કારણે અપાયેલા બે મહિનાના લોકડાઉનમાં પરિસ્થિતિઓએ લોકોને ઘણું બધું શીખવ્યું છે. આર્થિક રીતે જોઈએ તો ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી બની છે. આવા સમયગાળા દરમિયાન પણ શહેરની મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલોએ બાળકોના વાલીઓ પાસે લાખોની ફીની ઉઘરાણી કરતી જોવા મળી હતી. તો કેટલીક શાળાઓએ તો બાળકો માટે માસ્ક અને સેનિટાઈઝર જેવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના પૈસાની પણ માંગ કરી છે.
એ વાત હવે જગજાહેર છે કે, ગુજરાતમાં શિક્ષણ હવે વ્યાપાર બનીને રહી ગયું છે, પરંતુ આમ છતાં પણ અંધારામાં જેમ કોઈ દિપક ઝળહળતો હોય તેવો બનાવ પણ જોવા મળે છે. અમદાવાદના દરિયાપુર ખાતે આવેલી જે. પી. હાઈસ્કૂલે પોતાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની એપ્રિલથી લઈને ઓકટોબર સુધીની એટલે કે, કુલ 7 મહિનાની ફી માફ કરી છે. કોરોના વાઇરસ મહામારી અને તેના કારણે અપાયેલા બે મહિનાના લોકડાઉન લોકોની આર્થીક હાલત કફોડી બની છે. જેની અસર બાળકોના ભણતર પર ન પડે એટલે જે. પી. હાઈસ્કૂલે આ નિર્ણય લીધો છે.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ શાહે જણાવ્યું હતું કે, આ શાળાની સ્થાપના 1973માં થઇ હતી. ત્યારથી લઈને આજ સુધી તેઓ અમદાવાદમાં બનેલી અનેક ઘટનાઓના સાક્ષી રહ્યા છે. આ જ શાળામાંથી ભણીને કેટલાય વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે, અને સરકારી અધિકારી પણ બન્યા છે. અહીં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણવા આવે છે. જેમના વાલી માટે અત્યારે બાકીની ફી ભરવી અને આવનારા મહીનાઓ માટેની ફી ભરવી ખૂબ જ મુશ્કેલ છે. આથી શાળાના ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે, એપ્રિલ અને મે મહિનાની ફી નહીં લેવાય, પરંતુ આગામી ઓક્ટોબર મહિના સુધી જ્યાં સુધી બધું સમુસુતરું ન થઈ જાય ત્યાં સુધી પણ શાળામાં ભણતા બાળકોની ફી લેવામાં નહીં આવે. આ ઉપરાંત જે નવા એડમિશન થશે, તે વિદ્યાર્થીઓને પણ ફી માફીનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, જે. પી. હાઈસ્કૂલેમાં કુલ 350 જેટલા વિદ્યાર્થી ભણે છે. આ તમામ વિદ્યાર્થીઓની 7 મહિનાની ફી લગભગ 8.5 લાખ રૂપિયા જેટલી થાય છે. જે શાળાએ મોટું મન રાખીને માફ કરી છે. જે થકી જે. પી. હાઈસ્કૂલે અન્ય શાળાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.