અમદાવાદ : ઇસ્કોન બ્રિજ ઉપર ખૂબ જ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે. અકસ્માતની ચાર્જશીટમાં વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી હતી કે નહીં તે અંગે તપાસ માટે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે તત્વોની આંખોમાં કોઈ જ પ્રકારની ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. આ સાથે જ તથ્ય પટેલની આંખો નોર્મલ હોવાની પણ વાત રિપોર્ટમાં મૂકવામાં આવી છે.
મેડિકલ ઓફિસરનું નિવેદન : ચાર્જશીટમાં સિમ્સ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને પણ સાક્ષી બનાવવામાં આવ્યા છે. જેમાં મેડિકલ ઓફિસરનું ચાર્જશીટમાં નિવેદન લેવામાં આવ્યું છે. મેડિકલ ઓફિસરના નિવેદન પ્રમાણે અકસ્માત બાદ તથ્ય પટેલને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં આવેલ તથ્ય પટેલના માથાના ભાગે, પીઠના ભાગે અને ડાબા પગ પર ઈજા પહોંચી હતી. તેમજ શરીર પર મૂઢમારની સામાન્ય ઇજા હતી.
ગોઝારી ઘટના : આ સમયે તથ્ય પટેલે અકસ્માત થયાનું સ્વીકાર કર્યું હતું. અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ તેને માર માર્યો હતો. આ અંગે તથ્યએ નિવેદન આપ્યું હતું. તથ્ય પટેલે 19 જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્માતની ઘટનામાં પોલીસ તપાસ કરી રહી હતી. આ ઘટના જોવા લોકો ટોળે વળ્યા હતા. ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા.
ચાર્જશીટમાં શું છે ? અકસ્માતના અમુક જ કલાકોમાં તથ્યની ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ કરવામાં હતો. માત્ર 10 સેકન્ડમાં 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. ચાર્જશીટમાં અકસ્માત સ્થળ અને રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.