અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલે અમુક માંગો સાથે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
આરોપીઓની માંગ : આ અરજીમાં તેમણે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 207 અંતર્ગત કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જે અંતર્ગત કેસમાં લેવાયેલા 164 ના નિવેદનોની કોપી, બાઈકચાલકે સરખેજના કેફેથી અકસ્માત સ્થળ સુધી ઉતારેલ વિડીયો અને CCTV ફુટેજની માંગ કરવામાં આવી હતી.
માંગ નકારવામાં આવી : જેના સંદર્ભમાં સરકારે જવાબ આપવાનો થયો હતો. ઇન્વેસ્ટિગેશન ઓફિસરે આજે અમદાવાદ જિલ્લા કોર્ટમાં આજે એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં સરખેજના કેફેથી અકસ્માત સ્થળ સુધીના CCTV અને બાઈકર્સનું વિડીયો રેકોર્ડિંગ અને CRPC કલમ 164 મુજબ લેવાયેલ નિવેદન સંદર્ભ હતો. ઇન્વેસ્ટિગેશન ઓફિસરે આ કેસમાં હજુ ટ્રાયલ ચાલુ થઈ ન હોવાથી માંગ મુજબના પુરાવા આપવા ઇનકાર કર્યો છે. આ મુદ્દે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે.
પ્રજ્ઞેશ પટેલની કાર : ઉલ્લેખનીય છે કે, અકસ્માતના દિવસે તથ્યને લેવા તેના માતા-પિતા એમજી ગ્લોબસ્ટર ગાડી લઈને ઇસ્કોન બ્રિજ આવ્યા હતા. જ્યાં ટોળાને ધમકાવતા પ્રજ્ઞેશ પટેલે તથ્યની માતાને ગાડીમાંથી રિવોલ્વર કાઢવા કહ્યું હતું. આ ગાડીમાં તથ્યને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેના CCTV ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા હતા. આજે એ ગાડી છોડાવવા તથ્યના કાકાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની MG ગ્લોબસ્ટર ગાડી છોડાવવા પ્રજ્ઞેશ પટેલના ભાઈએ અરજી કરી છે. આ એ જ કાર છે જેમાં પ્રજ્ઞેશ પટેલ તથ્યને ઇસ્કોન બ્રિજથી હોસ્પિટલ લઈ ગયા હતા.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં બંને આરોપીઓ તરફથી બે એપ્લિકેશન કરવામાં આવી હતી. નામદાર કોર્ટે બંને વકીલોને સાંભળ્યા બાદ કોર્ટ તરફથી જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા પ્રમાણે માર્ગદર્શિકા આપી હતી. જેમાં જેલ સતાધીશોને જે પ્રોસીજર હોય એ પ્રમાણે વર્તન કરવા અને કાર્યવાહી કરવા માર્ગદર્શિકા આપી છે.-- પ્રવીણ ત્રિવેદી (સરકારી એડવોકેટ)
CCTV ફૂટેજની માંગ : સરકારી એડવોકેટ પ્રવીણ ત્રિવેદીએ બીજી એપ્લિકેશન અંગે માહિતી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે, પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે તેમાં વધારાના ડોક્યુમેન્ટ છે. બંને આરોપીઓ તરફથી ક્રિમીનલ પ્રોસીજર કોડ 207 અંતર્ગત 164 ના નિવેદનોની માંગ કરવામાં આવી છે. ઉપરાંત 6 સાક્ષીઓએ રજૂ કરેલા સીસીટીવી ફૂટેજની પેન ડ્રાઈવની માંગણી કરવામાં આવી છે.
ઘરનું ટિફિન જોઈએ : આ એપ્લિકેશનમાં કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટ, આ કેસમાં લેવાયેલા 164 ના નિવેદનોની કોપી, બાઇકચાલકે ઉતારેલ વિડીયો અને સીસીટીવી કેમેરાના ફુટેજની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘરનું ટિફિન જેલમાં મળે તેવી માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે આવતીકાલે વધુ સુનાવણી કરવામાં આવશે.