અમદાવાદઃ IRCTC દ્વારા દક્ષિણ ભારતના મુખ્ય તીર્થસ્થળોના પ્રવાસ માટે ખાસ રેલવે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજનું નામ છે દક્ષિણ દર્શન યાત્રા. આ રેલવે પ્રવાસ 10 દિવસ અને 11 રાત્રિનો છે જેમાં દક્ષિણ ભારતના કાંચીપુરમ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, રામેશ્વરમ, મદુરાઈ અને તિરુપતિ જેવા મુખ્ય તીર્થોનો પ્રવાસ મુસાફરોને કરાવવામાં આવશે. આ પ્રવાસ 20મીથી 30મી જાન્યુઆરી, 2024 વચ્ચે યોજાનાર છે.
પેકેજ ચાર્જઃ IRCTCના દક્ષિણ દર્શન યાત્રામાં કુલ 3 કેટેગરી રાખવામાં આવી છે. જેમાં ઈકોનોમી ક્લાસ, કમ્ફર્ટ ક્લાસ-3AC, સુપિરીયર ક્લાસ-2ACનો સમાવેશ થાય છે. જો પેકેજ ચાર્જની વાત કરવામાં આવે તો ઈકોનોમી ક્લાસમાં કરવેરા સહિત વ્યક્તિ દીઠ 22,000 રુપિયા, કમ્ફર્ટ ક્લાસ-3ACમાં કરવેરા સહિત વ્યક્તિ દીઠ 35,500 રુપિયા, સુપિરીયર ક્લાસ-2ACમાં કરવેરા સહિત વ્યક્તિ દીઠ 49,500 રુપિયા રાખવામાં આવ્યા છે.
ફરજિયાત ડ્રેસ કોડઃ દક્ષિણ દર્શન યાત્રામાં સમાવિષ્ટ તીર્થ સ્થળોએ દર્શન કરતી વખતે ખાસ અને ફરજિયાત ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. જેમાં પુરુષો માટે સફેદ ધોતી, શર્ટ, કુર્તા અને પાયજામા જ્યારે સ્ત્રીઓ માટે સાડી, સલવાર-કમીઝ જેમાં પાલવ હોવો ફરજિયાત છે. ખાસ કરીને મંદિરમાં દર્શન કરતી વખતે ટી શર્ટ, જિન્સ તેમજ તેના જેવો કોઈ કપડા ખાસ કરીને ટૂંકા કપડા પહેરવા નહીં, કારણ કે કોઈપણ પ્રકારના વય જૂથને ધ્યાનમાં લીધા સિવાય મંદિરમાં ટૂંકા અને પશ્ચિમી કપડાને લઈને પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
ડિસ્કલેમરઃ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું સંચાલન મિનિમમ બૂકિંગ પર આધારિત હોય છે. આ પ્રવાસ યોજના હંગામી છે અને રેલવે તરફથી મળતી ટ્રેન ઓર્ડર અને સમયના આધારે તેમાં ફેરફાર થઈ શકે છે. રેલવે ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાઈનલ ટાઈમિંગ મુસાફરી શરુ થવાના એક દિવસ પહેલા જાણ કરવામાં આવશે. IRCTC અનિવાર્ય સંજોગોમાં સમગ્ર પ્રવાસને રદ તેમજ તેમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે. ઓનલાઈન બૂકિંગ તેમજ અન્ય સૂચના, માહિતી, નિયમો અને સુવિધાઓ માટે IRCTC વેબસાઈટ વિઝિટ કરવી.