દેશમાં હાલ પણ ક્યાંક ભારતની સાંસ્કૃતિક વિરાસત અને રીતભાત જળવાઈ રહી છે. ભારતની એકતા અને અંખડિતતાનું પ્રતિક બનતી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. એકતરફ જ્યાં રાજકારણીઓ દ્વારા ધર્મના નામે લોકોને ઉશ્કેરવામાં આવે છે ત્યારે અમદાવાદના સરખેજ રોજામાં કોમી એકતાનું અનોખુ ઉદાહરણ જોવા મળ્યું છે.
દેશમાં કોમી એકતા અને ભાઈચારો વધુ મજબૂત થાય તે માટે અમદાવાદના સરખેજ રોજામાં મુસ્લિમ બિરાદરો દ્વારા હિન્દુ સહિત અન્ય ધર્મના લોકોને ઈફ્તારી માટે આમંત્રણ આપ્યું હતું. અહીં પહોંચેલા અન્ય ધર્મના લોકોએ મુસ્લિમ સમુદાયના લોકોને પોતાના હાથે ખજૂર ખવડાવી રોઝો ખોલાવ્યો હતો. મુસ્લિમ અને હિન્દુ બિરાદરોએ ઈફ્તારી વખતે એકબીજાને ખજૂર ખવડાવી કોમી એકતા અને ભાઈચારાની મિશાલ પૂરી પાડી છે. હેરિટેજ વોક ઈફ્તારી કાર્યક્રમમાં 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ઈસ્લામ અને તેની સાથે સંકળાયેલી કેટલીક વાતો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ, ઈસ્લામના મૂલ્યો અને સિદ્ધાંતો વિશે જરૂરી માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ઈફ્તારી કાર્યક્રમમાં આવેલા હિન્દુ યુવાને આ અંગે જણાવ્યું હતુ કે, બધા ધર્મ સત્યના માર્ગે લઈ જાય છે. આ પ્રકારના કાર્યક્રમથી મતભેદ દૂર થશે. તેમજ બે સમુદાય વચ્ચે સારી અખંડિતતા અને એકતા સ્થપાશે. જે ભારત અને આપણી સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વનું અને ઉપયોગી સાબિત થશે. દેશમાં દિવાળી અને ઈદ એકબીજા સાથે મળીને ઉજવાય છે. આ જ ઘટનાઓ ભારતને અન્ય દેશો કરતા અલગ તારવે છે. કોમી એકતા એ દેશની આત્મા છે અને સંપૂર્ણ સક્ષમ લોકતંત્રને લીધે કોઈ અપવાદરૂપ ઘટનાઓ કોમી એખલાસમાં શેષ માત્ર ફેર પાડે છે.