અમદાવાદ : ભારતીય રેલવે દ્વારા ભારત સરકારના વોકલ ફોર લોકલ વિઝનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સ્ટેશન એક ઉત્પાદન (OSOP) યોજના શરૂ કરવામાં આવી છે. આનો ઉદ્દેશ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે સમાજના હાંસિયા પર રહેનારા વર્ગો માટે વધારાની આવકની તક આપવાનો છે.
એક સ્ટેશન એક ઉત્પાદન : એક સ્ટેશન એક ઉત્પાદન યોજના હેઠળ રેલવે સ્ટેશનો પર સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનના પ્રદર્શન, વેચાણ અને હાઈ વિઝિલિબિટી માટે એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ફાળવવામાં આવે છે. વર્તમાનમાં ભારતીય રેલવેના 1037 સ્ટેશનો પર 1134 એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ચાલુ છે. આ દિશામાં પશ્ચિમ રેલવેના 83 સ્ટેશનો પર 86 એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ છે. જેમાંથી 51 આઉટલેટ ગુજરાત રાજ્યમાં છે.
સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન : પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા આપવામાં સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ એક સ્ટેશન એક ઉત્પાદનમાં સ્વદેશી જનજાતિ દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિઓ, સ્થાનિક વણકરો દ્વારા હાથશાળ, વિશ્વ પ્રસિદ્ધ લાકડાની કોતરણી, ચિકનકારી અને કપડાં પર જરી-જરદોશી જેવી હસ્તકળા અથવા મસાલા, ચા, કોફી અને અન્ય પ્રક્રિયા કરેલ ખાદ્ય પદાર્થ અને ઉત્પાદન જે આ વિસ્તારમાં સ્વદેશી રૂપે ઉગાડવામાં આવે છે વગેરે સામેલ છે.
ગુજરાતમાં 51 આઉટલેટ : ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રસિદ્ધ સ્વદેશી ઉત્પાદનો જેવા કે વાંસના બનેલા હસ્તશિલ્પ ઉત્પાદન, મિરર વર્કની વોલ હેંગીંગ, કલાકૃતિઓ અને વારલી પેઇન્ટિંગ સહિત પારંપરિક હાથશાળ ઉત્પાદન જેમ કે હાથછાપની સાડી, પોશાક સામગ્રી, જડતરનું કામ, નકલી ઘરેણાં, ચામડાના ઉત્પાદન સામેલ છે. ઉપરાંત પ્રક્રિયા કરેલ ખાદ્ય પદાર્થ જેમ કે અથાણાં, મસાલા, પાવડર, સુકા મેવા અને કાચું મધ પણ પ્રસિદ્ધ છે. આ તમામ ઉત્પાદનોને આઉટલેટમાં વેચાણ માટે રાખવામાં આવે છે. હાલમાં ગુજરાત રાજ્યમાં 48 સ્ટેશનો પર 51 એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
સ્થાનિક વિક્રેતા માટે વરદાન : કેન્દ્રીય બજેટ 2022-23 માં એક સ્ટેશન એક ઉત્પાદન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. દેશના 19 સ્ટેશનો પર 15 દિવસ માટે એક પાયલોટ પ્રોજેક્ટ 25 માર્ચ 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. પાયલોટ પ્રોજેક્ટથી મળેલા અનુભવના આધારે રેલવે મંત્રાલય દ્વારા એક સ્ટેશન એક ઉત્પાદન નીતિ જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આ દુકાનોએ આ વિક્રેતાઓના જીવન પર ખૂબ પ્રભાવ નાંખ્યો છે. તેમને એવી જગ્યા પર પોતાના સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક શાનદાર મંચ મળ્યું જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે. આનાથી તેમના ઉત્પાદનોનું વેચાણ વધ્યું છે અને તેમના જીવનમાં ફેરફાર આવ્યા છે.
આઉટલેટની ફાળવણી પ્રક્રિયા : આ યોજના હેઠળ ભારતીય રેલવે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા, વેચવા અને હાઈ વિઝિબિલિટી ઉપલબ્ધ કરાવવા NID અમદાવાદ દ્વારા વિકસિત ડિઝાઇન મુજબ સ્ટેશન પર વિશિષ્ટ રૂપ, અનુભવ અને લોકોની સાથે વિશિષ્ટ રૂપે ડિઝાઇન કરેલ વેચાણ આઉટલેટ ઉપલબ્ધ કરાવે છે. આ આઉટલેટની ફાળવણી સ્ટેશન પર લોટરી મારફતે રોટેશનના આધારે યોજનાના ઉદ્દેશોને પૂર્ણ કરતા તમામ અરજદારોને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.
કેટલા લાભાર્થીઓને લાભ મળ્યો ? અત્યાર સુધીમાં કુલ 39,847 પ્રત્યક્ષ લાભાર્થીએ આ યોજના હેઠળ આપવામાં આવી રહેલા આઉટલેટનો લાભ મેળવ્યો છે. પ્રત્યેક ફાળવણીએ 5 અપ્રત્યક્ષ લાભાર્થી ધારવામાં આવે તો પણ કુલ 1,43,232 લાભાર્થીનો અંદાજ છે. ઉપરાંત કુલ 49.58 કરોડ રૂપિયાનું વેચાણ નોંધવામાં આવ્યું છે.