અમદાવાદ : ભારત અને પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવવા માટેની માંગ સાથે અમદાવાદમાં નેશનલ ફીશ વર્કર્સ ફોરમ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન બંનેને પત્ર લખીને જેલમાં જે માછીમારો લાંબા સમયથી કેદ છે. તેમજ કાયદા પ્રમાણે તેઓને મુક્ત કરવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ મુક્ત કરવામાં આવ્યા નથી. તેવા માછીમારોને ઈદ પહેલા મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
કેટલા માછીમારો જેલમાં : ભારતના 654 માછીમારો અત્યારે પાકિસ્તાનની જેલમાં છે. તેમાંથી 631 માછીમારોની સજા પૂરી થઈ ગઈ છે. તેમજ તેમની રાષ્ટ્રીયતા નક્કી થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2008માં થયેલા એગ્રીમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસની કલમ 5 પ્રમાણે સજા પૂરી થાય અને રાષ્ટ્રીયતા નક્કી થયાના એક મહિનાની અંદર કેદીને છોડવાની જોગવાઈ છે. તેવામાં આ 631 માછીમારોની સજા પૂરી અને રાષ્ટ્રીયતા ઘણાં સમય પહેલા નક્કી થઈ ગઈ છે. આવનાર રમજાન ઈદને ધ્યાને લઈને તેમને તાત્કાલિક મુક્ત કરવાની વિનંતી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફને કરવામાં આવી છે. સાથે જ પાકિસ્તાનના 83 માછીમારો જે ભારતની જેલમાં છે, તેમાં જેમની સજા પૂરી થઈ હોય અને રાષ્ટ્રીયતા નક્કી થઇ હોય તેમને મુક્ત કરવાની વિનંતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવી છે.
આ પણ વાંચો : Kutchh News: બીએસએફે સિરક્રીકમાંથી 3 પાક. માછીમારો સાથે એક બોટ પકડી પાડી
માછીમારોની સજા પૂરી : નેશનલ ફિશ વર્કર્સ ફોરમ દ્વારા બંને વડાપ્રધાનને મોકલવામાં આવેલો સયુંકત પત્ર પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને દરિયામાં માછીમારી કરતા સમયે માછીમારો ભારત પાકિસ્તાનની સરહદ નજીક હોય તેવામાં ભૂલથી સરહદ પાર કરીને અન્ય દેશની દરિયાઈ સીમામાં પહોંચી જતા હોય છે. ત્યારે જે તે દેશની પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતી હોય છે. તેવામાં વર્ષ 2008માં કરવામાં આવેલી સંધિ મુજબ તે માછીમારોની સજા પૂરી થાય અને તેઓની રાષ્ટ્રીયતા નક્કી થઈ જાય ત્યારે તેઓને એક મહિનાની અંદર છોડી દેવાની જોગવાઈ નક્કી કરાઈ હતી. જોકે અનેક માછીમારોને હજુ મુક્ત ન કરાયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Kutch News : કચ્છની દરિયાઇ સીમામાં ફરી ઝડપાઈ પાકિસ્તાની બોટ, માછીમારો નાસી છુટયા
પરિવારજનોની માંગ : આ અંગે પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અનેક મહિનાઓ નીકળી ગયા છતાં પણ અમારા દીકરા અને પરિવારજનોનો કોઈ પત્તો નથી. તો સરકાર જલ્દીથી અમારા પરિવારજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવે તેવી અમારી વિનંતી છે.