અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને દર્શકોમાં ખુબ જ ઉત્સાહ અને રોમાંચ છે. ત્યારે દેશ-વિદેશમાંથી આ રોમાંચક મુકાબલો નિહાળવા અમદાવાદ આવેલા કેટલાંક લોકો સાથે ઈટીવી ભારત ગુજરાતે ખાસ વાતચીત કરી હતી અને તેમના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
લાહોરથી ખરીદેલો ભારતનો તિરંગો પણ સાથે લાવ્યા: સ્વાભાવિક છે કે, ક્રિકેટપ્રેમીઓ ભારતની જીતની આશા સાથે કામના પણ કરી રહ્યાં છે. ત્યારે માંચેસ્ટરથી આવેલા એક ક્રિકેટરસીકે કેપ્ટન રોહિત શર્મા સદી ફટકારશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો, સાથે જ તેમણે ઈન્ડિયા પાકિસ્તાન મેચ વખતે લાહોરથી ખરીદેલો ભારતનો તિરંગો પણ સાથે લાવ્યા હોવાનું જણાવ્યું હતું.
8થી 10 કલાકની મુસાફરી કરીને પહોંચ્યાં: મુંબઈથી ઘણા ક્રિકેટપ્રેમીઓ વિશેષ ટ્રેન દ્વારા તો કેટલાંક પોતાના ખાનગી વાહનોમાં 8થી 10 કલાકની મુસાફરી કરીને અમદાવાદ પહોંચ્યાં છે. ત્યારે મુંબઈથી સ્પેશિયલ મેચ જોવા આવેલા એક ગ્રુપ સાથે વાત કરતા તેમણે 8-0 થી ભારત અજેય રહે તેઓ પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભારતની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો: જ્યારે દૂબઈથી આવેલા એક મહિલા ક્રિકેટપ્રેમીએ જણાવ્યું હતું કે, તેણે આ મેચ માટે 4 મહિના પહેલાં ટિકિટ બુક કરાવી હતી અને તેનો પ્રિય ખેલાડી વિરાટ કોહલી છે, વિરાટ સારૂં પ્રદર્શન કરશે અને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે ભવ્ય જીત મળશે તેઓ આશા વ્યક્ત કરી હતી. દૂબઈના એક યુવા ક્રિકેટ પ્રેમીએ શુભમન ગીલ પાસે સદીની અપેક્ષા રાખી છે. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાના સમર્થનમાં જાણે આખો દેશ અમદાવાદમાં ઉમટી પડ્યો હોય તેમ સ્ટેડિયમની બહારના પરિસરમાં લોકો વંદે માતરમ અને ભારત માતા કી જય જેવા નારા લગાવતા પણ જોવા મળ્યાં હતાં. કેટલીક મહિલાઓએ પોતાના ગાલ પર તિરંગાના ચિત્રો દોરાવ્યાં છે. તો મોટી સંખ્યામાં ક્રાઉડ ટીમ ઈન્ડિયાની જર્સીમાં દેખાય રહ્યાં છે.
શુભમન ગીલ સેન્યુરી મારશે: પોતાના પતિ સાથે મેચ જોવા આવેલી એક મહિલા ક્રિકેટપ્રેમીએ જણાવ્યું હતું કે, વિરાટ કોહલી મારો પ્રિય ક્રિકેટર છે અને હું માત્ર તેને જ જોવા માટે આવી છું. જ્યારે તેના પતિએ કહ્યું કે, શુભમન ગીલ પણ સેન્યુરી મારશે તેવો વિશ્વાસ છે. રાજસ્થાનના બિકાનેરથી પોતાના બે બાળકો અને પત્ની સાથે મેચ જોવા આવેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, જ્યારથી મેચની જાહેરાત થઈ ત્યારથી મેચની ટિકિટ બુકિંગ કરાવાવી પ્રોસેસ કરી અને ગત રાત્રીથી તેઓ અમદાવાદમાં છે, ખાસ વિરાટ કોહલીની પરફોર્મન્સથી ભારત જીતે તેવો તેમનો પ્રબળ વિશ્વાસ છે.