અમદાવાદ : આજની ટેકનોલોજીના આધુનિક સમયમાં લોકો પોતાના મનોરંજન માટે અલગ અલગ ડિવાઇસનો ઉપયોગ કરતા હોય છે. જેમાં ખાસ કરીને મ્યુઝિક સાંભળવા માટે ઈયરબડ્સ અને ઈયરફોન જેવી ડિવાઇસના ઉપયોગ કરી આનંદ માણતા હોય છે. પરંતુ આ આનંદ ક્યારેક આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ઈયરબડ્સના ઉપયોથી લાંબા સમયગાળે કાનમાં બહેરાશ આવવાની શક્યતાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. કોરોના કાળ દરમિયાન બાળકોએ ઓનલાઇન ક્લાસીસમાં ઈયરબડ્સનો ઉપયોગ કર્યો હોય તેવા બાળકોમાં બહેરાશની શક્યતાઓ ખૂબ જ જોવા મળી રહે છે.
બહેરાશના પ્રકાર : ENT ડિપાર્ટમેન્ટ હેડ ડો.નીના ભાલોડિયા ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કાનમાં બહેરાશની સમસ્યા ઉદ્ભવ થવાના બે પ્રકાર હોય છે. જેમાં એક જન્મજાત બહેરાશ હોય છે. જ્યારે બીજી બહેરાશ તાવ, અકસ્માત કે અન્ય કારણોસર આવતી હોય છે. જેમાં મુખ્યત્વે જન્મજાત બહેરાશમાં તે વ્યક્તિ બોલી ન શકે તો તેને જન્મજાત બહેરાશ હોઈ શકે છે.
સામાન્ય રીતે 90 ડેસિબલથી ઓછો અવાજ હોય તો કાનમાં બહેરાશ આવવાની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળે છે. પરંતુ ઇયરફોનમાંથી આવતો અવાજ 90 ડેસિબલથી વધુ હોય તો કાનની અંદર આવેલ ઓર્ગન ઓફ ઓન્ટ્રીને ઘાતક નુકસાન પહોંચે છે. જેના કારણે શક્ય હોય તેટલા ઈયરફોનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જો ઉપયોગ કરવાની જરૂરિયાત ઓછી હોય તો અવાજ પણ ઓછો રાખવો જોઈએ.-- ડો.નીના ભાલોડિયા (ENT ડિપાર્ટમેન્ટ હેડ, સોલા સિવિલ)
બહેરાશના કેસ વધ્યા : બહેરાશનું કારણ કાનમાં બહેરાશ થવાના કેસો હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સોલા સિવિલ ડોકટરના જણાવ્યા અનુસાર સોલા સિવિલના ENT વિભાગમાં પહેલા 6 મહિને 1 કે 2 કેસ સામે આવતા હતા. પરંતુ હવે દર મહિને 10 થી 12 કેસ સામે આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેસ એક કાનમાં બહેરાશ આવવાના સામે આવી રહ્યા છે. જેનું મુખ્ય કારણ વધારે પડતો અવાજ જોવા મળી રહ્યો છે. હાલમાં યુવાનોમાં ઈયરબડ્સ કે ઇયરફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે એક કાનમાં બહેરાશ આવવાના કેસ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને કોરોના મહામારી વખતે ઓનલાઇન ટ્યુશન કે શાળાઓ ચાલી રહી હતી. જેમાં બાળકો ઈયરબડ્સનો ઉપયોગ કરતા હતા. જેના કારણે બહેરાશના કેસો પણ સામે આવી રહ્યા છે.
માતા-પિતાને અપીલ : ડોક્ટરોનું માનવું છે કે, હાલના સમયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને હવે માત્ર બાળકો જ નહીં પરંતુ તમામ વયના લોકો હવે ઈયરબડ્સનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે બહેરાશ આવવાની શક્યતા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખવું જોઈએ. બાળકો સતત મોબાઇલમાં વ્યસ્ત ન રહે તેનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.
જીનેટિક કાઉન્સિલ : બહેરાશ જન્મજાત પણ હોય છે. પરંતુ જન્મજાત બહેરાશ હોય તેવા કેસ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ જો આવો કેસ હોય તો સૌથી પહેલાં તેનું જીનેટિક કાઉન્સિલ કરવું ખૂબ જ જરૂરી હોય છે. અહીંયા એ કાઉન્સિલ કરવામાં આવતું નથી. જો માતા-પિતાને જાણ થાય કે, પોતાનું બાળક વ્યવસ્થિત રીતે સાંભળી શકતા નથી. તરત જ તેને શક્ય હોય તેટલી ઝડપથી સારવાર શરૂ કરી દેવી જોઈએ.