અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જનતા માટે સીટી બસની સુંદર સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં અનેક ટર્મિનલ્સને ડેવલપ કરીને નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર આવેલ સારથી બંગલોઝ ટર્મિનલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા ટર્મિનલને આજે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
સારથી બંગલોઝ ટર્મિનસ : AMTS કમિટી ચેરમેન વલ્લભભાઈ પટેલ સાથે ETV BHARAT દ્વારા ટેલીફોનીક વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના લોકોને વધુમાં વધુ સારી સુવિધા પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સફર સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આજે 1 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત ચાંદખેડા ખાતે આવેલ સારથી બંગલોઝ ટર્મિનલ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેના થકી અહીંના રહીશોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે. ઉપરાંત અહીંયા આવેલી મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને પણ સરળતાથી બસની સુવિધા પ્રાપ્ત થશે.-- વલ્લભભાઈ પટેલ (AMTS કમિટી ચેરમેન,AMC)
બે રૂટ પર મહિલા બસ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બે રૂટ ઉપર મહિલા બસનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં નરોડાથી અરવિંદ પોલિટિક રૂટ પર ચાલતી 66/3 નંબર અને વાસણાથી સારથી બંગલોઝ રૂટ પર ચાલતી 401 નંબરની બસ રૂટ પર મહિલા બસ આપવામાં આવી છે. આ પહેલા પણ મહિલા બસ ચલાવવામાં આવતી હતી. પરંતુ કોરોના સમયગાળા દરમિયાન આ બસને બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે નવું ટર્મિનલ તૈયાર થતાં ફરી એકવાર મહિલા બસ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે મહિલાઓ પણ સુરક્ષિત અને સરળતાથી શહેરની સીટી બસની સેવાનો લાભ લઈ શકશે.
સારથી બંગલોઝની 5 રૂટ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારથી બંગ્લોઝ ટર્મિનલથી 5 રૂટનું સંચાલન કરવામાં આવશે. જેમાં 401 નંબરની બસ સારથી બંગલોઝથી વાસણા ટર્મિનલ, 89/3 નંબરની બસ સારથી બંગલોઝથી અમરાઈવાડી, 84 નંબરની બસ સારથી બંગલોઝથી લાલ દરવાજા ટર્મિનસ, 85 નંબરની બસ સારથી બંગલોઝથી લાલ દરવાજા ટર્મિનસ અને 75 નંબરની બસ સારથી બંગલોઝથી મણિનગર ટર્મિનસ સુધીની બસનું સંચાલન કરવામાં આવશે. આ ટર્મિનસ અંદાજિત 1 કરોડ 65 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.