અમદાવાદ: આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ વિશાલ સાવલિયા નામના સેટેલાઈટના બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી, જેમાં હિમાંશુ પટેલ દ્વારા વર્ષ 2011 થી અત્યાર સુધીમાં સિંધુભવન રોડ ઉપર આવેલી ફરિયાદીની જૂની ઓફિસ ખાતે મીટીંગો કરી હતી, ફરિયાદીના ધોળકા ગણેશપુરા ગામ પાસે રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમોમાં 500 જેટલા પ્લોટ વેચાણ કરી આપવા વિનંતી કરી હતી.
25 હપ્તેથી 24 લાખ રૂપિયા: વિશ્વાસ કેળવી પ્રોજેક્ટમાં ભાગીદાર તરીકે જોડાવા માટે સી.જી રોડ ઉપર આવેલી એકતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની બે જોઈન્ટ ઓફિસ આપવાનું કહી તેમજ 25 હપ્તેથી 24 લાખ રૂપિયા મેળવી ઓફિસના દસ્તાવેજ ન કરી આપ્યા હતા, તેમજ 400 પ્લોટ વેચાણ ન કરી આપી અને સાથે જ ખેરાલુ ખાતે બે દુકાનો આપવાનું જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને 15 લાખનો પ્લોટ અપાવી દઈ ફરિયાદી સાથે 39 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
ટેક્સી ભાડે આપવાનો વેપાર: આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ગુનામાં સામેલ હિમાંશુ મહેન્દ્રભાઈ પટેલ નામના બોડકદેવના આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા તે અગાઉ એકતા ટ્રાવેલ્સ નામથી ટેક્સી ભાડે આપવાનો વેપાર કરતો હતો, દરમિયાન પોતાનો વેપાર ધંધો વધતાં વધુ ટેક્સીઓ ખરીદ કરી બહારથી કમિશન ઉપર મેળવી ભાડેથી ટેક્સી આપવાનો કોન્ટ્રાક્ટ લેતો હતો.
ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્સી: વર્ષ 2008માં હેલો ટેક્સી નામથી ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્સી શરૂ કરી હતી, પરંતુ તે વેપાર ધંધામાં કોમ્પિટિશન વધી જતા 2011 માં બંધ કરી દીધો હતો. ત્યારબાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવી વેપાર ધંધો કરવાનું નક્કી કરી પોતાને બહુ ઓળખાણ છે અને અનુભવ છે તેવું જણાવી ફરિયાદીને ધોળકા ખાતેના રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમમાં 500 જેટલા પ્લોટ વેચાણ કરી આપવાના બહાને ભાગીદારીમાં જોડાયો હતો.
ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી: ભાગીદારીના ઇન્વેસ્ટ પેટે આપવાની રકમના બદલામાં સી.જી રોડ ખાતેની પોતાની ઓફિસ આપવાનું જણાવી ઓફિસની કિંમતની બાકીની રકમ 25 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી મેળવી લઈ ફરિયાદીને આજ સુધી ઓફિસ આપી ન હતી. ફરિયાદીને ખેરાલુ ખાતેની બે દુકાનો આપવાનું જણાવીને મોલીન શાહ નામની વ્યક્તિને પ્લોટ ફાળવી દીધા હતા અને બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે ખેરાલુ ખાતે હિમાંશુ પટેલની કોઈ દુકાનો કે મિલકત નથી. ફરિયાદી પોતાના રૂપિયા પરત માંગે અથવા ઓફિસનો દસ્તાવેજ કરી આપવા જણાવે ત્યારે તે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો.
મોડ્સ ઓપરેન્ડી- આરોપી હિમાંશુ પટેલ જુદાજુદા પ્રોજેક્ટો કે જાહેરાતોના આધારે પોતાના નામના કોઈ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન બનાવી રોકાણકારોને બતાવી તે આધારે વિશ્વાસ કેળવી પ્રોજેક્ટની આજુબાજુના જમીનદાર કે ખેડૂતોને પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે અને આ જગ્યાએ મોટું ડેવલોપમેન્ટ થવાનું છે, તેમ જણાવી જમીન વેચાણ કરવા માટે પ્રેરિત કરતો હતો. ત્યારબાદ બહારના રોકાણકારોને લાવી તે જમીન ઊંચા ભાવે વેચાણ કરાવી આપવાનું કહી પોતાનું કમિશન મેળવતો હતો. તેમજ કોઈ ઇન્વેસ્ટરો આ બાબતે વિરોધ કરે ત્યારે પોતે રાજકીય વર્ગ ધરાવતો હોવાનું અને ખેડૂતોમાં પોતાનું વર્ચસ્વ હોય ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની ટેવ ધરાવે છે. આ સિવાય હિમાંશુ પટેલે આવા બીજા કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.