જ્યારે કોઇ ભાણેજ મામાના ઘરે જાય અને તેને લાડ લડાવવામાં ન આવે તેવું તો ભાગ્યે જ બનતું હોય છે. સામાન્ય રીતે મામાનું ઘર એટલે ગમ્મતની મોજ અને અહીં આ તો ખુદ ભગવાન... ભગવાન જગન્નાથને મોસાળમાં છપ્પન ભોગ ધરાવીને લાડ લડાવવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાનને મામાના ઘરે જમવામાં મિષ્ઠાન સાથે ફળ-ફળાદીમાં જાંબુ, કેરી, દાડમ વગેરે હોય છે. આવા ભોજનથી ભગવાન બીમાર પડી જાય છે. જેથી ભગવાનને આંખો આવી જાય છે. આ આંખો પર વૈદિક વિધિ પ્રમાણે ચંદનના લેપ કરી પાટો બાંધવામાં આવે છે.
આપણા ઋષિમુનિઓએ મગને માંદા માણસોનો ખોરાક ગણ્યો છે. બધાં જ દ્વિદલ ધાન્યોમાં અને સૌથી વધુ કઠોળમાં મગ સૌથી શ્રેષ્ઠ છે. મગ હલકા કફ તથા પિત્તને હરનાર છે. મગ શરીર માટે ઠંડા, નેત્રને હિતકારી તેમજ તાવને મટાડનાર છે. કહેવત છે કે, "મગ ચલાવે પગ" માટે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ રૂપે અપાતા મગનું આગવું મહત્વ છે.