ગુજરાત માટે આગાહીઃ નવસારી, સોમનાથ, અમરેલી તથા જૂનાગઢમાં હજું પણ ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે. ખાસ કરીને જંગલ વિસ્તાર અને સમુદ્રીકિનારાથી નજીકના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો. સોમવાર સુધી ગુજરાતના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્રના પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. જેની અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. તાપમાન નીચું જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે રવિવારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘાવી માહોલ જોવા મળી શકે છે.
અમદાવાદમાં વરસાદઃ અમદાવાદ શહેરમાં તારીખ 7 અને 8 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પૂર્વ-પશ્ચિમ દિશા તરફનું દબાણ વધવાને કારણે એક અસર ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. સોમવાર સુધી ચોમાસું જોવા મળશે. સુરત, ડાંગ, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ નવસારી તથા વલસાડ જિલ્લામાં વરસાદ પડી શકે છે. મુંબઈમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શાળા કૉલેજ બંધઃ જેના કારણે સ્કૂલ અને ક઼ૉલેજ બંધ રાખવાની ફરજ પડી છે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શાળા-કૉલેજ બંધ રાખવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે કેરળમાં એક ચોક્કસ વિરામ બાદ વરસાદ પડ્યો હતો. ગુરૂવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. કન્નુર અને કાસરગૌડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે એમ છે.
કેરળમાં માઠીઃ કેરળમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને કન્નુર અને કાસરગૌડ જિલ્લામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. અનેક જિલ્લાઓમાં શાળા કૉલેજ બંધ કરવાની ફરજ પડી છે. માત્ર દક્ષિણના રાજ્યો જ નહીં પણ દિલ્હીમાં પણ મૂશળધાર વરસાદ પડી શકે છે.
રાજધાનીમાં ચોમાસુંઃ દિલ્હીમાં ગુરૂવારની સવાર પણ વરસાદી રહી હતી. અનેક વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જેની અસર સ્થાનિક પરિવહનને થઈ હતી. બુરાડી, વજીરાબાદથી તિમારપુર તથા મંડોલી રોડ પર ભારે પાણી ભરાઈ ગયા હતા. જ્યાંથી નીકળવું મુશ્કેલ થઈ પડ્યું હતું. સ્થિતિને ધ્યાને લઈને દિલ્હી પોલીસે પણ સુરક્ષા સંદર્ભે એક ટ્વિટ કર્યું હતું. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પાંચ દિવસ સુધી પાણીને કારણે પરિવહનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.