વિરમગામઃ તાલુકાના માંડલમાં વોકળો આવેલો છે. તેનું 70 વર્ષથી કોઈ ખોદકામ ન થયું હોવાના કારણે વોકળામાં બુરાણ થઈ ગયું છે. હવે વોકળો માત્ર 3 ફૂટ જ રહ્યો છે. એપીએમસીના ચેરમેન ડી. આઈ. પટેલે છેલ્લા ઘણા વર્ષોથી આ એરિયામાં એક વૈજ્ઞાનિક રીતે સંશોધન કર્યું છે. કડી, માંડલ અને પાટડી આ વોકળામાંથી પસાર થતું પાણી ખારાગોઢાના રણમાં જાય છે અને આ વોકળામાં ગાંડા બાવળોનો પણ ઉપદ્રવ થયો છે. આથી આ વોકળામાં વહેતું પાણી બુરાણ હોવાના કારણે રસ્તો કરીને ખેડૂતોના ખેતરોમાં ઘુસી જાય છે.
આથી અતિવૃષ્ટિ થાય ત્યારે આ પાણી નિકાલના મુખ્ય સાધનો ખરાબ થઈ જવાના કારણે ખેડૂતોની ખેતીમાં પાણી ઘુસી જતા પાક નિષ્ફળ જાય અને દર વર્ષે સરકારને પાક નુકસાનીનું વળતર આપવું પડે. જો સરકાર દ્વારા કડીથી ખારાઘોડાના રણ સુધી આ વોકળાનું ખોદકામ કરાવે અને ગાંડા બાવળાનો નિકાલ કરે તો જ આ પાણીનો નિકાલ થઈ શકે અને ખેડૂતોના પાક નિષ્ફળ ન જાય. માંડલ પાટડી કડી તાલુકામાં દર ચોમાસામાં થોડો એવો વરસાદ પડે છે ત્યાં જ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. સરકારે અતિવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને પાક નુકસાન વળતર આપવું પડે છે.