અમદાવાદ : ભારત દેશમાં અત્યારે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ કપની પાંચ મેચ પૈકી એક પ્રથમ મેચ પૂર્ણ થઈ છે. ત્યારે હજુ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાર મેચ રમાવનારની બાકી છે. ઉપરાંત 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાનની સૌથી મોટી મેચ રમવા જઈ રહી છે.
સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી : 6 ઓક્ટોબરના રોજ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી નાખવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. ત્યારે અમદાવાદ પોલીસ પણ આ ધમકીને લઈને એક્ટિવ બની છે. ત્યારે આ અંગે ETV BHARAT દ્વારા અમદાવાદ સેકટર 1 JCP ચિરાગ કોરડીયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ નાગરિકને ડરવાની જરૂર નથી. સાથે જ ઇન્ડિયા પાકિસ્તાન મેચ દરમિયાન વધુમાં વધુ પોલીસને સુરક્ષાની દ્રષ્ટિએ ફરજ આપવામાં આવશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : અમદાવાદ સેકટર 1 JCP એ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજુ પણ વિશ્વ કપની ચાર મેચ રમાવાની બાકી છે. ત્યારે 14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા-પાકિસ્તાન મેચ યોજવા જઈ રહી છે. આ તમામ મેચ દરમિયાન હવે અમદાવાદ પોલીસ દ્વારા સઘન સુરક્ષા અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અગાઉ 3000 જેટલા પોલીસ કર્મચારીઓ સ્ટેડિયમની અંદર અને બહાર સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. તે હવે વધારો કરીને 5000 જેટલા કર્મચારીઓને સ્ટેડિયમની અંદર અને બહાર સુરક્ષા માટે રાખવામાં આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજુ પણ વિશ્વ કપની ચાર મેચ રમાવાની બાકી છે. અમદાવાદ પોલીસ દ્વારા સઘન સુરક્ષા અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકો આવે અને મેચનો આનંદ માણે, આ તમામ લોકોની સુરક્ષાની જવાબદારી અમારી છે. -- ચિરાગ કોરડીયા (JCP, સેક્ટર 1 અમદાવાદ)
શહેરમાં સર્ચ ઓપરેશન : સેક્ટર 1 JCP ચિરાગ કોરડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મેચની અને સુરક્ષાને ધ્યાનમાં લઈને જ ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ પહેલા 11 ઓક્ટોબરના દિવસે જ પોઝિશન ગોઠવી દેવામાં આવશે. જ્યારે અમદાવાદના તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવશે. જ્યારે તમામ લોકો કે જેઓ ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે દેશ-વિદેશ, અન્ય રાજ્ય અથવા તો અન્ય શહેરમાંથી આવે છે, તેઓએ સહેજ પણ ડરવાની જરૂર નથી. કારણ કે ગુજરાત અને અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ કરી છે.
અમદાવાદ પોલીસનો દાવો : ઉલ્લેખનિય છે કે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો છે. ત્યારથી અમદાવાદ પોલીસ એક્ટિવ બની અને તમામ બાબતે વધુ સઘન તપાસ અને કડક સુરક્ષા પણ રાખવામાં આવી છે. જ્યારે આ બાબતે સેક્ટર 1 JCP ચિરાગ કોરડીયાએ ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગુજરાતમાં બાકી ચાર મેચ આવનારા દિવસમાં ગોઠવવામાં આવી છે. તેમાં લોકો આવે મેચનો આનંદ માણે અને આ તમામ લોકોની સુરક્ષાની જવાબદારી અમારી છે. કોઈપણને તકલીફ નહીં પડે, કોઈને હાલાકીનો સામનો ન કરવો પડે તેનું પણ અમદાવાદ પોલીસે ધ્યાન રાખ્યું છે.