રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પ્રતિબંધને ફરીવાર 30મી જુન સુધી લંબાવવામાં આવતા ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે આ મામલે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માગ્યો છે. અગાઉ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજુ કરતા જણાવ્યું કે, પરીક્ષા નજીક હોવાથી પબજી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતું. જો કે, હવે વેકેશન હોવા છતાં 30મી જુન સુધી કેમ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. તે બાબતે રાજ્ય સરકાર આવતીકાલે હાઈકોર્ટમાં જવાબ રજુ કરે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અંનત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિરમા યુનિવર્સિટીના વિધાર્થી અને અરજદારે દાવો કર્યો કે, જો ઘરમાં બેસીને પબજી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો બંધારણની સ્વતંત્રતાનો ભંગ માની શકાય.
રાજ્ય સરકારે પબજી ગેમને પ્રતિબંધિત કરતું નોટીફિકેશન જારી કર્યા બાદ અમદાવાદ અને રાજકોટમાં અનેક યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરાનામાને પડકારતી અરજી મુદે હાઈકોર્ટે અરજદારને કહ્યું હતું કે, બંધારણે સ્વતંત્રતા આપી છે. પરતું તે અનિયંત્રિત સ્વતંત્રતા નથી. પોલીસે કરેલી ધરપકડ અયોગ્ય છે. તે સ્પષ્ટ કરવાની જરૂર છે. જેનો અભ્યાસ કરવા કોર્ટે અરજદારને સમય આપ્યો હતો.
કાયદા વિદ્યાશાખાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીએ જાહેરહિતની અરજીમાં જણાવ્યું હતું કે, વ્યકિત ઘર કે અગાસીમાં બેસીને પબજી રમે અને જો તેની ધરપકડ કરવામાં આવે તો સ્વતંત્રતા પર તરાપ સમાન છે. રાજ્ય સરકારે બંધારણ વિરૂધ જઈને પબજી રમતા લોકોની ધરપકડ કરવાનો જાહેરનામું બહાર પડ્યું છે. અરજદારે બંધારણના અનુચ્છેદ 21 મુજબ દલીલ કરી હતી.