હાઈકોર્ટે મહત્વની ટકોર કરતા કહ્યું કે, જાહેર સેવા સાથે સંકળાયેલા લોકો હડતાલ પર જશે તો તેમનો પગાર કાપી લેવામાં આવશે અને તેમની વિરૂદ્ધ જ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અગાઉ હાઈકોર્ટે આ મુદ્દે RBI, ઈન્ડિયન બેંક એસોસિએશન સહિત અન્ય પક્ષકારોને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, મંદીના સમયે બેન્કો હડતાળ પાડશે, તો વેપારી સહિત સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન તરફે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં બહાર પાડી 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના રોજ હડતાલની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 11મી માર્ચ થી 13મી માર્ચ સુધી સળંગ હડતાલ પર ઉતરશે.
અરજદારના અંદાજ પ્રમાણે જો આવી રીતે હડતાળ રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં 21 હજાર કરોડ અને ગુજરાતમાં 12 હજાર કરોડના આર્થિક વ્યવાહર ઠપ થશે. બેન્ક કર્મચારી તેમના પડતરના પ્રશ્નો મુદ્દે હડતાલ પર ઉતરી રહ્યાં છે. બેન્ક કર્મચારીઓના પડતરના પ્રશ્નોને લઈને સરકાર સાથે વાટાઘાટા ચાલી રહ્યાં છે, ત્યારે નાના વેપારીઓ અને લોકોને હેરાનગતિનો સામનો ન રવો પડે તે માટે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.