અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવીને બે મહિના જેવો સમય થયો છે. હારેલા ઉમેદવારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પરિણામને લઈને ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ જેમનો ચૂંટણીમાં પરાજય થયો હતો. તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ સાથે જ આ અરજીમાં ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં પણ ફોર્મ સ્વીકાર્યા હોવાની આક્ષેપ સાથેની અરજી કરવામાં આવી હતી. આ અરજીના પગલે હવે ટંકારાના હાલના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને હાઇકોર્ટે તેડુ મોકલ્યું છે.
હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે ફરમાન: લલિત કથગરા દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં તેમણે જણાવ્યું હતું કે ટંકારા બેઠક પરથી વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામાં અનેક ભૂલો હતી. તેમાં શિક્ષણ અંગે કોઈ સ્પષ્ટતા કરેલી નથી તેમજ તેમની કોઈપણ મિલકત અંગે પણ યોગ્ય માહિતી આપવામાં આવી નથી.
ફોર્મમાં અનેક ખાના બાકી: તેમની પાસે કાર હોવા છતાં પણ તેમની તે માહિતી ફોર્મમાં દર્શાવવામાં આવી ન હતી. તેમના ફોર્મમાં અનેક ખાના બાકી હતા. આ પ્રકારની અનેક ભૂલો હોવા છતાં પણ રિટર્નિંગ ઓફિસરે તેમના ફોર્મને રદ કર્યું ન હતું. આ અંગે રિટર્નિંગ ઓફિસરને રજૂઆત પણ કરાયેલી હતી. આ રજૂઆત કરવા છતાં પણ રિટર્નિંગ ઓફિસરે એક પણ બાબતોને ધ્યાનમાં લીધી ન હતી.
હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન: મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા વિધાનસભા બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કથગરા, વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના હર્ષદ રીબડીયા, રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના રઘુ દેસાઈ અને ડેડીયાપાડા બેઠક ઉપરથી ભાજપના હિતેશ વસાવાએ ચૂંટણી લડી હતી. જો કે હવે ચૂંટણીમાં કારની હાર બાદ આ તમામ ઉમેદવારોએ હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરેલી છે.
શું થશે કાર્યવાહી?: આ સમગ્ર મામલે મહત્વનું છે કે અત્યારે તો હાઇકોર્ટ દ્વારા દુર્લભજી દેથરીયાને રૂબરૂ હાઇકોર્ટમાં હાજર રહેવા માટેનું ફરમાન આપ્યું છે. જોકે બાકીની જે વિવિધ પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવી છે તેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. કોની સામે કઈ કાર્યવાહી કરશે તે સુનાવણી બાદ ખબર પડશે.