જસ્ટિસ બિરેન વૈષ્ણવે મહત્વનું અવલોકન કરતા આદેશ કર્યો હતો કે, અગાઉ લોકરક્ષક બોર્ડની PST પાસ કરી ચૂકેલા અને બાદમાં ફેલ થયેલા ઉમેદવારની પસંદગી કરીને નિમણુક કરવામાં આવી છે કે કેમ એ અંગેની વિગતો પણ દર્શાવવાનો હુકમ કર્યો હતો.
અરજદાર પ્રવિણસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, પોલીસ લોક રક્ષક દળ માટેની લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કર્યા બાદ (PST) ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં તેમને ફેલ જાહેર કરી દેવાયો હતો. અરજદારનો દાવો છે કે હાઈટ અને છાતીનું માપ યોગ્ય હોવા છતાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. અગાઉની ભરતીમાં ફીઝીકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પાસ કર્યા છે, ત્યારે આ વર્ષે બોર્ડ તેમને ફેલ કઈ રીતે જાહેર કરી શકે.
વધુમાં અરજદારે જણાવ્યું કે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ખોટી રીતે ફેલ થયા બાબતે જ્યારે ગ્રાઉન્ડ પર હાજર અપીલ બોર્ડને રજૂઆત કરવામાં આવી ત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. તેમજ આગલા દિવસે લોકરક્ષક ભરતી દળને આ મુદ્દે જાણ કરાઈ તો તેમણે પણ ધ્યાન આપ્યું નહીં. જેથી ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદારે પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવવા માટે લેખિત પરીક્ષા આપી હતી અને તેમાં ઉત્તીર્ણ થયા બાદ શારીરિક કસોટી કપડવંજ-નડિયાદ હાઈવે પર આવેલા એસઆરપી ગ્રાઉન્ડમાં આપી હતી.