- ચૂંટણી પહેલા હાઇકોર્ટ તરફથી મોટા સમાચાર
- ચૂંટણીના પરિણામોની તારીખો બદલાય તેવી શક્યતા
- હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણીપંચને આપી નોટિસ
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણીપંચને નોટિસ જાહેર કરી છે. હાઇકોર્ટની નોટિસમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ એક જ દિવસમાં જાહેર કરવામાં આવે જુદા-જુદા દિવસે જાહેર થનારા પરિણામોની અસર એકબીજા પર ન થાય તે માટેની PIL હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને હાઇકોર્ટે આજે રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નોટિસ આપી છે.
અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત
અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, 6 મહાનગરપાલિકાનું મતદાન 21 ફેબ્રુઆરી છે અને તેનું પરિણામ 23 ફેબ્રુઆરી આવી જશે, ત્યાર પછી 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન થશે અને તેનું પરિણામ 2 માર્ચે આવશે. હવે અરજદારે માગ કરી છે કે, તમામ ચૂંટણીના પરિણામ એક સાથે આવે જેથી 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ 23 ફેબ્રુઆરીએ આવી જશે. તેની સીધી અસર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન પર પડી શકે છે. આથી મતગણતરી એક સાથે થવી જોઈએ.
ચૂંટણીના પરિણામોની નવી તારીખ જાહેર થાય તેવી શક્યતાઓ
અહીં મહત્વનું છે કે, ગત 23 જાન્યુઆરીએ રાજ્ય ચૂંટણીપંચના કમિશનર સંજય પ્રસાદે 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકા અને 28 ફેબ્રુઆરીએ 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 268 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની જાહેરાત કરી હતી પરંતુ હવે જ્યારે હાઇકોર્ટે નોટિસ આપી છે, ત્યારે ફરીવાર ચૂંટણીના પરિણામોની નવી તારીખ જાહેર થાય તેવી શક્યતાઓ છે.