હાઈકોર્ટમાં દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પીટીશનમાં દલીલ કરવામાં આવી છે કે, વર્ષ 2017ની સરખામણીમાં વર્તમાન સમયના રોડ-રસ્તા અને ટ્રાફિકની સમસ્યા વધુ વણસી છે. ચોમાસામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જાહેર માર્ગ અને રોડ - રસ્તા પર હલકી ગુણવતાથી રોડ્ બનાવવામાં આવતા ઠેર - ઠેર ખાડા જોવા મળે છે.
જાહેર માર્ગો પર ફરીવાર ગેરકાયદેસર બાંધકામને લીધે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ રહી છે. જસ્ટીસ એમ.આર શાહ દ્વારા જાહેર માર્ગ પર વાહન પાર્ક ન કરવા મુદે આપેલા સુચનોનું પણ ક્યાંય પાલન થતું નથી.
અરજદાર દ્વારા પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોર્પોરેશનને રોડ - રસ્તા રિપેર અથવા ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મોટી સંખ્યામાં તક આપવામાં આવી હોવા છતાં કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના સી.જી. રોડમાં કોર્પોરેશન દ્વારા ફુટપાથ પહોળી કરવામાં આવી છે. જેને લઈને રોડનો એરિયા ઓછું થતાં ટ્રાફિકની વિકટ સમસ્યા ઉભી થઈ છે. તેમજ વન-વે માર્ગ પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઇ છે. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 2018માં જસ્ટીસ એમ.આર શાહની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે શહેરમાં ટ્રાફિક અને બિસ્માર રોડ - રસ્તાને લઈને કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસને કેટલાક નિર્દેશ કર્યા હતાં અને ત્યારબાદ બંને વિભાગની સંયુકત કામગીરીના ભાગરૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.