અમદાવાદ: દુષ્કર્મ પીડીતાએ સાત મહિનાથી વધુના ગર્ભને દૂર કરવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે. આ કેસમાં ગર્ભને દૂર કરવાની મંજૂરી આપવી કે બાળકને જન્મ જ આપવા દેવું એ સંવેદનશીલ પ્રશ્ન અંગે હાઇકોર્ટના જસ્ટિસ સમીર દવે ખુદ નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. આ સમગ્ર કેસ મામલે હાઇકોર્ટના જસ્ટિસ પોતાની ચેમ્બરમાં સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી.
મનુસ્મૃતિના ઉલ્લેખ: આ ચર્ચા દરમિયાન કોર્ટે ટકોર પણ કરી હતી કે પીડિતાના ગર્ભમાં રહેલું બાળક અને ખુદ પીડિતા જો સ્વસ્થ હોય તો તેને ગર્ભપાતની મંજૂરી આપવી પણ ન્યાયિત નહીં ગણાય તેવી પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. પીડિતાના પિતાએ સગીરાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ ગર્ભપાત દબાણ માટે કહેતા સમીર દવેની ખંડપીઠે મનુસ્મૃતિના ઉલ્લેખ કર્યો હતો.
'મનુસ્મૃતિમાં લખેલું છે કે ભૂતકાળમાં 14 થી 15 વર્ષની દીકરીઓ લગ્ન કરીને 17 વર્ષ પહેલાં જ બાળકને જન્મ આપતી હતી. આપણા સમાજમાં એમ પણ તરુણા અવસ્થામાં છોકરાઓ કરતા છોકરીઓ જલ્દી પરિપક્વ થઈ જાય છે.' -હાઇકોર્ટ
તપાસના આદેશ: આ સાથે જ જો બાળક જન્મ લે છે તો તો તેનું પણ શું કરવું તે અંગેના વિકલ્પ વિચારવા અને ભવિષ્યમાં તેને કઈ રીતે રાખવું તે મુદ્દાના પણ અભિપ્રાય વિચારવા હોવાનું કોર્ટે જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ચર્ચા કર્યા બાદ અને તમામ સંજોગોને ધ્યાનમાં રાખતા હાઇકોર્ટે સિવિલ હોસ્પિટલ, રાજકોટના તબીબીને, તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની પેનલ દ્વારા સગીર બાળકીની તબીબી તપાસ તેમજ મનોચિકિત્સક દ્વારા પણ કરાવવાના પણ તપાસના આદેશ આપ્યા છે.
તમામ રિપોર્ટ રજૂ કરવામાં આવશે: આ સમગ્ર મામલે તબીબી તપાસ બાદ અને અહેવાલો સામે આવ્યા બાદ કોર્ટમાં તમામ રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ડોક્ટર પ્રમાણે જે પણ અભિપ્રાય હશે તેને ધ્યાનમાં રાખીને કોર્ટ પોતાનો ચુકાદો આપશે. મેડિકલ કન્ડીશનને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી શકાય છે કે તે બાબતની કોર્ટ ધ્યાનમાં રાખીને પોતાનું ચુકાદો સંભળાવશે.
શું છે સમગ્ર કેસ: આ કેસની વિગતો જોઈએ તો મોરબીની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ થતા ગર્ભ રહી ગયો હતો અને આ ગર્ભને દૂર કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ ગર્ભ 27 અઠવાડિયાથી વધુ હોવાથી હાઇકોર્ટ માટે આ ખૂબ જ સંવેદનશીલ કિસ્સો બની રહ્યો છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ શું પોતાનો ફેસલો આપે છે તે જાણવું ખૂબ જ મહત્વનો બની રહેશે.